અરવલ્લીઃ વર્ષો પહેલા ખેડૂતો ખેતી માટે હળનો ઉપયોગ કરતા હતા, જોકે આજે 80 ટકા ખેડૂતોના તમામ પ્રકારના કામકાજ ટ્રેકટર દ્વારા જ થાય છે, ત્યારે કુદકેને ભુસકે વધી રહેલા ડીઝલના ભાવ ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન છે. ડીઝલના ભાવ વધારાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહયું છે. ખેડુતોને હેક્ટર દિઠ રૂ. 400થી 500નો વધારાનો ખર્ચ થઇ રહ્યો છે. મોંઘું બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ સાથે હવે ખેડુતોને ડીઝલમાં ભાવ વધારો પણ સહન કરી રહ્યા છે.
પેટ્રોલ કરતા મોંઘા ડિઝલે ખેડૂતોની કમર ભાંગી - ડીઝલમાં ભાવ વધારો
સમગ્ર રાજ્યમાં હાલ ખેડૂતોને વાવણીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ડીઝલમાં ભાવ વધારાએ ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ડીઝલનો ભાવ વધવાથી ખેડૂતોને હેકટર દિઠ રૂ. 400થી 500નો વધારાનો ખર્ચ થાય છે. વાવણીનો સમય છે ત્યારે જ સરકાર ડીઝલમાં ભાવ વધારો કરી ખેડૂતો સાથે અન્યાય કરે છે, તેવું ધરતી પુત્રોનું માનવું છે.
ડીઝલમાં ભાવ વધારાને કારણે ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે, જ્યારે ખેત પેદાશના ભાવ ઘટ્યા છે. જેથી ખેડુતો નિરાશ થયા છે. પેટ્રોલ કરતા મોંઘા ડીઝલએ ખેડુતોની મુશકેલીમાં વધારો કર્યો છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે રાહતની માંગ કરી રહ્યા છે. ખેડુતોનું માનવુ છે કે સરકારે ડીઝલ પર સબસીડી આપવી જોઇએ.
મહત્વનું છે કે, સમગ્ર રાજ્ય સહિત દેશમાં છેલ્લા થોડા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 8 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે અને ડીઝલનો ભાવ પેટ્રોલના ભાવ કરતા પણ વધારે થયો છે. જ્યારે રાજ્યના મહત્વના જિલ્લાની વાત કરીએ તો અમદાવાદમાં ડીઝલનો ભાવ 78.07 રૂપિયા લીટર છે. જ્યારે રાજ્યના ડીઝલના ભાવની વાત કરીએ તો 77.75 રૂપિયા પ્રતિ લિટર છે.