અરવલ્લીઃ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 30 જૂનના રોજ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક જિલ્લા પ્રભારી તથા આદિજાતિ અને વન રાજ્યપ્રધાન રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. જો કે, રમણલાલ પાટકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ બેઠકમાં ઉપસ્થિત અરવલ્લી જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓમાં ચીંતા પ્રસરી છે. આ પરિસ્થિતિમાં બેઠકમાં હાજર તમામ લોકોને ક્વોરેન્ટાઈન થવું પડે તેવા સંજોગો સર્જાયા છે.
30 જૂનના રોડ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા પ્રભારી તથા આદિજાતિ અને વન રાજય પ્રધાન રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભિલોડા-મેઘરજના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારા, અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર, અરવલ્લી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેકટર, પ્રાયોજના અધિકારી મુનિયા, જિલ્લા પંચાયત સભ્યો તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી, અન્ય સંલગ્ન કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરો સાથે પણ રમણલાલ પાટકરે મુલાકાત કરી હતી.
રમણલાલ પાટકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અરવલ્લી જિલ્લાના અધિકારીઓમાં ફફડાટ આ બેઠકના થોડા દિવસ બાદ રમણલાલ પાટકરની તબિયત લથડતા તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવતા રમણલાલ પાટકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રમણલાલ પાટકરને સારવાર અર્થે અમદાવાદ યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જે કારણે બેઠકમાં ઉપસ્થિત તમામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલ મળતી માહિતી અનુસાર આરોગ્ય તંત્રે બેઠકમાં ઉપસ્થિત રહેલા અને સંપર્કમા આવેલા અધિકારીઓ, પદાધિકારીઓ અને લોકોની યાદી મેળવવા તજવીજ હાથ ધરી છે.
30 જૂનઃ અરવલ્લી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ, જિલ્લા પ્રભારી સહિત અનેક પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
- અરવલ્લી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક જિલ્લા પ્રભારી તથા આદિજાતિ અને વન રાજ્યપ્રધાન રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી મોડાસા ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં વર્ષ 2020-2021ના જિલ્લાના આદિજાતિ તાલુકાઓના સર્વાંગી વિકાસના કામની પ્રાથમિકતા આપવામાં આવી હતી.
- ન્યૂ ગુજરાત પેટર્ન વર્ષ 2020-21ની નાણાંકીય જોગવાઇ અને આયોજનની વિગત અંતર્ગત ભિલોડા તાલુકાના 317 કામ માટે રૂ. 718.26 લાખનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે મેઘરજના 161 કામ માટે રૂ. 295.42 લાખની જયારે જિલ્લાના મોડાસા અને માલપુર તાલુકાના છૂટાછવાયા આદિજાતિ ગામોના વિકાસના 16 કામ માટે રૂ. 13.91 લાખના મળી જિલ્લામાં આદિજાતિ તાલુકાઓના સંવાર્ગી વિકાસના 494 કામ માટે રૂ. 1027.59 નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.