અરવલ્લી: મેઘરજના મોટી મોરી ગામની સીમમાંથી 6 ફેબ્રુઆરીના રોજ અજાણ્યા યુવકનો મૃતદેહ ચાદરમાં લપેટેલો મળી આવ્યો હતો. મૃતકની પત્ની અને પરિવારજનોએ પોલીસ સમક્ષ મૃતદેહ ઓળખાવાની શરૂઆતમાં આનાકાની કરી હતી. જો કે, ત્યારબાદ પત્ની અને પરિવાજનોએ કબુલ્યું હતું કે, મૃતદેહ ઈશ્વર નામના યુવકનો છે. આ ઘટનામાં પોલીસ તપાસમાં ઘરેલુ ઝઘડો હોવાનું બહાર આવતા મૃતકના 2 ભાઇઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારજનોએ મૃતકની અંતિમવિધિ પણ પૂર્ણ કરી હતી. જો કે, 5 માસ બાદ અચાનક મૃતક યુવક ઈશ્વર પરત ફરતા પરિવારજનો અચંબામાં પડ્યા હતા.
અરવલ્લી: હત્યાના કેસમાં કાચુ કપાતા PI સસ્પેન્ડ - અરવલ્લી પોલીસ
5 માસ અગાઉ 6 ફેબ્રુઆરીના રોજ અરવલ્લી જિલ્લાના મોટી મોરી ગામની સીમમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ ચાદરમાં લપેટેલો મળ્યો હતો. પોલીસે આ અંગે તપાસ કરી હતી. જેમાં મૃતકના હાથે દોરેલા ટેટુના આધારે પોલીસે માન્યુ હતું કે, મૃતદેહ રાજસ્થાનના ખપરેડાના ઈશ્વર ખાતુભાઇ મનાતનો છે. જો કે, આ મામલે મૃતક મનાતો યુવક જીવંત પાછો આવતા પોલીસની તપાસ શંકાના દાયરામાં આવી હતી. આ મામલે રેન્જ IG અભય ચુડાસમાએ ઇસરી PI આર.આર તાવીયાડને સસ્પેન્ડ કરતા પોલીસેબેડામાં ખળભળાટ મચ્યો છે .
હત્યાના કેસમાં કાચુ કપાતા PI સસ્પેન્ડ
આ સમગ્ર કેસની તપાસ કરનારા PI આર.આર.તાવીયાડ પર ગાજ પડી છે. આ સમગ્ર મામલે ઈસરી પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ છે અને હત્યાનો ભેદ ઉકેલવામાં ઉતાવળ કરી હોવાનું લાગી રહ્યું છે. જેથી ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાએ ઈસરી PI આર.આર.તાવીયાડને ફરજ મોકૂફ કરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.