- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ સ્થાનિક રહીશો સાથે વાતચીત
- મોડાસામાં સ્થાનિકોએ ચૂંટાયેલા કાઉન્સિલરો સામે વિરોધ વ્યક્ત કર્યો
- દબાણને કારણે રસ્તાઓની હાલલ કફોડી બની ગઈ
મોડાસા: ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ અને પાંચ વર્ષ બાદ ચૂંટાયેલા નેતાઓની કામગીરીનાં લેખા જોખા કરવાનો સમય. નેતાઓ ચૂંટણી સમયે વાયદા કરી ને લોકો પાસેથી મત મેળવે છે પરંતુ ચૂંટ્ણી પછી સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી. મોડાસા નગરપાલિકાનાં વોર્ડ નં.8નાં રહીશોને પણ કંઇક આવો જ અહેસાસ થયો છે. અહીંના રહિશોના જણાવ્યા અનુસાર ચૂંટણી પહેલા નેતાઓએ જે વાયદાઓ કર્યા હતા, એ હજુ સુધી પુરા થયા નથી.
મોડાસામાં વોર્ડ નં.8ના કોર્પોરેટરો સામે સ્થાનિકોમાં રોષ દબાણને કારણે 80 ફૂટનો રોડ 40 ફૂટનો થઈ ગયો વોર્ડ નં.8 માંથી નગરપાલિકા હસ્તકનો ડી.પી રોડ પસાર થાય છે. આ રોડ પાલિકાનાં લે-આઉટ પ્રમાણે 80 ફૂટનો છે. જો કે, માર્ગ પર દબાણ થવાના કારણે આ રસ્તો હવે ફકત 40 ફૂટનો થઇ ગયો છે. આ વિસ્તારનાં જાગૃત નાગરિકોએ આ અંગે નગરપાલિકામાં ઘણી વખત રજૂઆતો કરી પરંતુ દબાણ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નિયમિત સફાઇ ન થતી હોવાથી જ્યાં ત્યાં કચરાનાં ઢગલા પડેલા જોવા મળે છે. અહીંના ચૂંટાયેલા કોર્પોરેટરોની નિષ્ક્રિયતાને પગલે લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે.