અરવલ્લીમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત,મૃત્યુ આંક 16 પર પહોંચ્યો
સમગ્ર રાજ્યમાં કોરોનાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.ત્યારે અરવલ્લીમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છે.જિલ્લામાં કોરોનાથી મત્યુઆંક 16 પર પહોંચી ગયો છે.
મોડાસા : અરવલ્લી જિલ્લામાં કોરોનાથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જિલ્લાના મોડાસાના કરશનપુરા કંપાના 65 વર્ષીય પુરુષનું હિંમતનગરની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા મૃત્યુનો કુલ આંક 16 પર પહોંચ્યો છે. આ ઉપરાંત વધુ એક દર્દીનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા પોઝિટિવ દર્દીનો કુલ આંક 204 પર પહોંચ્યો છે. જે પૈકી કુલ 151 દર્દીઓની સારવાર પૂર્ણ થતા તેઓને કોવિડ હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે.
કોરોના પોઝિટિવ નોંધાયેલા દર્દીઓના વિસ્તારોને નિયંત્રીત વિસ્તાર જાહેર કરી કુલ 04 ટીમો દ્વારા કુલ 152 ઘરની 757 વસ્તીની હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. તે પૈકી 14 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
હાલમાં હોમ કોરોન્ટાઇન વ્યક્તિઓની સંખ્યા કુલ 42 છે. તેમજ પોઝિટિવ દર્દીના સંપર્ક આવેલા 498 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 06 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 11 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.તેમજ અરવલ્લી જિલ્લાના 11 પોઝિટિવ કેસ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં,01 મેડીસ્ટાર હીમતનગર,અમદાવાદ હોસ્પિટલમાં 06 તેમજ ગાંધીનગર હોસ્પિટલમાં એક સારવાર હેઠળ છે.