- શનિવારે રાષ્ટ્રવ્યાપી ચક્કાજામની જાહેરાત કરાઈ હતી
- રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગ પર ૧૨ થી ૩ દરમિયાન ચક્કાજામ કરવાનું એલાન હતું
- પોલીસે સાવચેતીના ભાગરૂપે ત્રણની ધરપકડ કરી
અરવલ્લીઃ નવા ત્રણ ખેડૂત કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ શનિવારે રાષ્ટ્રવ્યાપી ચક્કાજામની જાહેરાત કરી હતી. જેમાં સમગ્ર દેશમાં નેશનલ અને સ્ટેટ હાઇવે પર બપોરે ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી ચક્કાજામ કરવાનું એલાન આપવામાં આવ્યુ હતું. જો કે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ કોઇ જ ચક્કાજામ ન કરી આ કાર્યક્રમથી દૂર રહ્યાં હતાં. પરંતુ પોલીસે સાવચેતીના ભાગરૂપે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
અરવલ્લીમાં ચક્કાજામને નબળો પ્રતિસાદ ત્રણેય વ્યક્તિઓને પોલીસ સ્ટેશનમાં નજરકેદ
કેંદ્ર સરકારે બનાવેલ નવા ત્રણ ખેડૂત કાયદાઓના વિરોધમાં ખેડૂતો દિલ્લીમાં છેલ્લા બે માસ કરતાં વધારે સમયથી ધામા નાખીને બેઠા છે ત્યારે ખેડુત સંગઠનોએ શનિવારે બપોરના ૧૨ થી 3 વાગ્યા સુધી દેશભરમાં ચક્કાજામનું એલાન કર્યુ હતું . જોકે અરવલ્લીના ખેડુતો આ કાર્યક્રમથી દૂર રહ્યા હતા. આમ વાહનવ્યવહાર પર કોઈ અસર થઈ ન હતી. તેમ છતાં પોલીસે સાવચેતીના ભાગરૂપે ખેડુત અગ્રણી ડાહ્યાભાઈ જાદવ,બાબુભાઈ અને SFIની વિદ્યાર્થી નેતા માનસીની અટકાયત કરી હતી. આ ત્રણેય વ્યક્તિઓને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરાયા હતા. ચક્કાજામનો સમય પૂર્ણ થતાં ત્રણેયને છોડી મુકવામાં આવ્યા હતા.
અટકાયતને લોકશાહીનું હનનઃ ખેડૂત અગ્રણી ડાહ્યાભાઈ
મોડાસા શહેર પોલીસે અટકાચત કરતાં ખેડૂત અગ્રણી ડાહ્યાભાઈ જાદવે પોલીસ તંત્ર અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે તેમની ધરપકડને લોકશાહીનું હનન ગણાવ્યુ હતું.