એમ.આઇ.એમ. ના ચાર મહિલા કોર્પોરેટરોએ રાજીનામું આપ્યું
શાળા-કોલેજમાં લેસન કાર્યમાં ઉપયોગમાં લેવાતા ચોપડાના કાગળ પર રાજીનામું લખીને વાયરલ કર્યું
મહિલા કોર્પોરેટરોની રજુઆત સાંભળવા માટે પ્રદેશમાંથી નિરીક્ષકોની ટીમ મોડાસા આવી હતી
એમ.આઇ.એમ. ના ચાર મહિલા કોર્પોરેટરોએ રાજીનામું આપ્યું
શાળા-કોલેજમાં લેસન કાર્યમાં ઉપયોગમાં લેવાતા ચોપડાના કાગળ પર રાજીનામું લખીને વાયરલ કર્યું
મહિલા કોર્પોરેટરોની રજુઆત સાંભળવા માટે પ્રદેશમાંથી નિરીક્ષકોની ટીમ મોડાસા આવી હતી
અરવલ્લી : મોડાસા પાલિકામાં ચૂંટાયેલાં એમ.આઇ.એમ. ના ચાર મહિલા કોર્પોરેટરોએ શાળા-કોલેજમાં લેસન કાર્યમાં ઉપયોગમાં લેવાતા ચોપડાના કાગળ પર રાજીનામું લખીને વાયરલ કરતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મળતી માહિતી અનુસાર, એમ.આઇ.એમ ના મહિલા કોર્પોરેટરોની રજુઆત સાંભળવા માટે પ્રદેશમાંથી નિરીક્ષકોની ટીમ મોડાસા આવી હતી. જેમાં ચર્ચાના અંતે તેમણે રાજીનામા અંગેનો નિર્ણય મહિલા કોર્પોરેટરો છોડ્યો હતો.
કોર્પોરેટરોને વિરોધ પક્ષના નેતા રફીક શેખ સાથે વાંધો પડ્યો છે
ગુજરાતમાં એમ.આઇ.એમ. પક્ષે હજુ તો પાપા પગલી ભરી છે ત્યાં બાર સાંધોને તેર તુટે જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. એક બાજુ ગોધરા પાલિકામાંથી એમ.આઇ.એમ. ના ટેકાવાળી સરકારનું બાળ મરણ થયુ ત્યારે બીજી બાજુ મોડાસા પાલિકાના મહિલા કોર્પોરેટરોએ એકાએક રાજીનામાની પેશકશ કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ મહિલા કોર્પોરેટરોને વિરોધ પક્ષના નેતા રફીક શેખ સાથે વાંધો પડ્યો છે અને અન્ય કોર્પોરેટર ને વિરોધ પક્ષનો નેતા બનાવવાની માંગ સાથે રાજીનામુ આપ્યું છે.
એમ.આઇ.એમ પક્ષમાં આ હુંસાતુસી અને ટાંટીયા ખેંચથી મતદારોમાં નારાજગી પ્રવર્તી
એમ.આઇ.એમ પક્ષમાં આ હુંસાતુસી અને ટાંટીયા ખેંચથી મતદારોમાં નારાજગી પ્રવર્તી રહી છે. મતદારોમાં ચર્ચા છે કે, લોકોએ એમ.આઇ.એમ. ને જીતાડવા ખુબજ ઉમળકાભેર મતદાન કર્યુ હતું, ત્યારે મહિલા કોર્પોરેટરોના આવા વલણથી લોકોમાં ચર્ચાઓ થઇ રહી છે.
મહિલા કોર્પોરેટરો સહિત પક્ષમાંથી એક પુરૂષ કોર્પોરેટર પણ રાજીનામું આપે તેવી શક્યતા પ્રબળ
મહિલા કોર્પોરેટરો સહિત પક્ષમાંથી એક પુરૂષ કોર્પોરેટર પણ રાજીનામું આપે તેવી શક્યતા પ્રબળ બની છે, ત્યારે એમ.આઇ.એમ. પાસેથી કથીત વિરોધ પક્ષનું પદ છીનવાઇ જશે તેવુ લાગી રહ્યું છે. આ ઘટનાક્રમથી કોંગ્રેસ પક્ષ ગેલ આવી ગયો છે. કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી વિરોધપક્ષના ખૂંટાને શોભાવી રહેલા કોંગ્રેસને ફરીથી વિરોધ પક્ષની પાઘડી માથે બાંધવા મળશે. કેટલાક લોકો તો આ ભાંગફોડમાં કોંગ્રેસનો હાથ ગણાવી રહ્યા છે.