- મોડાસામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
- રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલિયાએ કરાવ્યો શુભારંભ
- આ યોજનાથી ખેડૂતોને દિવસે મળશે વિજળી
અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના ભામશા હોલ ખાતેથી ગુજરાત રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલિયાએ કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ મોડાસાના 105 ગામડાઓને આ યોજનાનો લાભ મળશે
ખેડૂતોની દિવસે વિજળીની વર્ષો જુની માંગ સંતોષવા, સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી સૂર્યોદય યોજના અમલમાં મુકવામાં આવી છે, જેમાં કૃષિ ક્ષેત્રે દિવસે સવારે ૫ થી રાત્રીના ૯.00 વાગયા દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવશે. આ યોજના થકી ખેડૂતોને દિવસે સારી રીતે સિંચાઈ માટે વીજ પુરવઠો મળવાથી રાત્રીના ઉજાગરા, વન્યજીવનો ભય અને કડકડતી ઠંડી તથા ચોમાસામાં ખેડૂતોને પડતી મુશકેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે. જિલ્લાના મોડાસા તાલુકાના ૧૨ સબસ્ટેશનના ૧૦૫ ગામડાઓના ખેડૂતોને આ યોજાનાનો લાભ મળશે.
સરકારે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી કૃષિક્ષેત્રે નવી ક્રાંતિ લાવ્યા
લીલાબેન આંકોલિયાએ “જય જવાન,જય કિસાન” ના નારા સાથે ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મહત્વની યોજનાની શરૂઆત કરી છે. અરવલ્લી જિલ્લામાં મુખ્યપ્રધાને બાયડ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરી હતી. રાત્રે ખેડૂતોને ખેતરમાં પિયત વેળાએ ઝેરી જીવ-જંતુ અને જંગલી જાનવરોનો ડર રહેતો હતો, તેવી તમામ મુશ્કેલીઓનો અંત આવશે. રાજ્ય સરકારે જ્યોતિગ્રામ યોજના દ્વારા ૧૮ હજાર ગામમાં વીજળી કરણ કર્યું છે. ખેડૂતો માટે પહેલા બિયારણ, સિંચાઇ અને વીજળીની અછત સર્જાતી હતી. પરંતુ સરકારે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી કૃષિક્ષેત્રે નવી ક્રાંતિ લાવ્યાં છે. આ ઉપરાંત પાણી પુરવઠા, ગટરો, ૧૦૮ ઍમ્બ્યુલન્સ, રોડ રસ્તા, બહેનો માટેની ૧૮૧ અભયમ યોજના, આયુષ્યમાન સહિતની અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને ધ્યાન રખાઇ રહ્યુ છે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ઘણી યોજનાઓનો પ્રારંભ કરીને ઘણી અમૂલ્ય ભેટો આપી
લીલાબેન આંકોલિયાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યપ્રધાન હતા, ત્યારે ગુજરાતમાં ઘણી યોજનાઓનો પ્રારંભ કરીને ગુજરાતને ઘણી અમૂલ્ય ભેટો આપી છે. વર્તમાન સમયમાં આપણે છેલ્લા કેટલાક મહિનાથી કોવિડ જેવી મહામારીથી ઝઝૂમી રહ્યા છીએ. ત્યારે વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નોના હલ લાવવાના પ્રયાસ હાથ ધર્યા છે. વડાપ્રધાને લોકોને સારી સુવિધા મળી રહે તેની ચિંતા કરી છે.
સરકારે મહિલાઓ માટે પણ અનેક યોજનાઓનું લોકાર્પણ કર્યું
મહિલા આયોગના અધ્યક્ષે જણાવ્યું કે, સરકારે મહિલાઓ માટે પણ અનેક યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં અનેક ક્ષેત્રે વિકાસ થયો છે. પહેલાના સમયમાં પ્રસૂતિ દરમિયાન મહિલાઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે રસ્તાઓની સમસ્યા દૂર થઈ ગઈ છે. જેના કારણે તેમણે ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. જેથી કરીને માતાના મૃત્યુદરમાં ઘટાડો થયો છે.
ખેડૂતોને રાત્રે આવવા જવા માટે પડતી મુશ્કેલીઓનો અંત આવશે
આ પ્રસંગે સંસદ સભ્ય દીપસિંહ રાઠોડે જણાવ્યું કે, “કિસાન સૂર્યોદય યોજના” નો શુભારંભ થવાથી ખેડૂતોને રાત્રે આવવા જવા માટે પડતી મુશ્કેલીઓનો અંત આવશે. સરકાર ખેડૂતો માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને પિયત માટે દિવસે વીજળી મળી રહે તે માટેની યોજનાનો પ્રારંભ કર્યો છે. મુખ્યપ્રધાન કટોકટીના સમયે ખેડૂતોના પડખે ઊભા રહી તેમની સમસ્યાનું સમાધાન કરે છે. તેમના સિંચાઇ-પાણી-વીજળી સહિતના પ્રશ્નોનું સરળ નિરાકરણ કર્યું છે. આ પ્રસંગે સ્થાનિક અગ્રણી આગેવાનોએ તથા યુ. જી. વી. સી. એલ દ્વારા લીલાબેન આંકોલિયા, દીપસિંહ રાઠોડનું ડ્રાયફ્રૂટની કીટ આપી સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમમાં, જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયા, ખેડૂતો તેમજ અગ્રણીઓ સોશિયલ ડિસ્ટન્ટસ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ