અરવલ્લી :અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલા અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રધામ શામળાજીના સાનિધ્યમાં શામળપુરની એકલવ્ય મોડેલ રેસીન્ડસી સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી લોકોને વનઅધિકાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેજસ્વી તારલાઓ, રમતવીરો, કૃષિ, પશુપાલન અને સમાજક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન કરનારા લોકોનું સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડેના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાનના હસ્તે સ્પોર્ટસ સંકુલનું ગાંધીનગર ખાતેથી ડિજીટલ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડે જણાવ્યુ હતું કે, રાજય સરકાર દ્વારા સમાજના છેવાડા વિસ્તારના લોકોને શિક્ષણ, આરોગ્ય, પાણી અને રોડ-રસ્તાની સુવિધા પૂરી પાડવાની સાથે તેમના ભવ્ય વિરાસત ધરાવતા આદિજાતિ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કર્યુ છે. તેમની કલાને વિશ્વ ફલક પર મુકીને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો રાજય સરકારે ઉત્કૃષ્ઠ પ્રયાસ હાથ ધર્યો છે. તેમને આદિજાતિ મહિલાઓને સંકલિત ડેરી વિકાસ યોજના સાથે સાંકળીને પશુપાલનના વ્યવસાય થકી આર્થિક રીતે પગભર બનાવવાના નક્કર પગલા ભર્યા છે.