- કેટલાક અસામાજીક તત્વોએ જાન પર કર્યો હતો પથ્થરમારો
- આંબલીયારા પોલીસ મથકમાં યુવતીના ભાઈએ નોંધાવી ફરિયાદ
- લીંબ ગામમાં જાન પર પથ્થરમારાની ઘટનામાં 9 લોકો અને ટોળા સામે ફરિયાદ નોંધાઇ
અરવલ્લી : જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામે અનુસુચિતજાતિ સમાજના યુવકની જાનમાં કેટલાક યુવકોએ માથે સાફો બાંધ્યો હતો. આ મામલે કેટલાક અસામાજીક તત્વોએ જાન પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. અચાનક થયેલા પથ્થરમારાની ઘટનાના પગલે જાનૈયાઓ ગભરાઇ ગયા હતા અને દોડાદોડી કરી મૂકી હતી. આ મામલે આંબલીયારા પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે 9 લોકો અને ટોળા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ તૈનાત કરી દીધી હતી.
અરવલ્લીમાં છેલ્લા કેટલાક સમયથી અનુસુચિતજાતિના લોકોના લગ્ન પ્રસંગે વરઘોડા પર હુમલા થઇ રહ્યા છે. તાજેતરમાં જિલ્લાના નાંદીસણ ગામે યુવતીના લગ્નમાં તેના ભાઈએ સાફો બાંધ્યો હતો, તે મામલે વરઘોડો અટકાવતા યુવતીએ ચાલતા ઘરે પરત ફરવું પડ્યું હતું, ત્યારે મંગળવારે જિલ્લાના બાયડના લીંબ ગામે મણીલાલ બાલાભાઈ પરમારની દીકરીના લગ્ન હોવાથી કપડવંજના તેલનારા ગામેથી યુવક જાન લઈ આવ્યો હતો. જાનમાં આવેલા યુવકો માથે સાફો બાંધી ગામના બસ સ્ટેન્ડ નજીક રાસ ગરબા રમતાં હતાં. ત્યારે અચાનક તેમના પર પથ્થરમારો શરૂ થતા ભારે નાસભાગ મચી હતી. જેમાં યુવતીના પરિવાજનોને માર પણ મારવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ પહોંચીને સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ પોલીસની ઉપસ્થિતિમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરવામાં આવ્યો હતો. બાયડના આંબલરીયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ કાબુમાં છે.
આંબલરીયા પોલીસે લીંબ ગામના હર્ષવર્ધન લવજીભાઈ પરમારની ફરિયાદના આધારે સંજયસિંહ બેચરસિંહ ચૌહાણ, શૈલેશસિંહ દેવુસિંહ ચૌહાણ, હિતેશ સિંહ બકુસિંહ ચૌહાણ, પ્રવિણસિંહ ધુળસિંહ ચૌહાણ, સંજયસિંહ ઝિંદુસિંહ ચૌહાણ, યુવરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, ઈંદ્રરાજસિંહ બહેચરસિંહ ચૌહાણ, વિજયસીંહ ભારતસિંહ ચૌહાણ, માનસિંહ અદેસિંહ ચૌહાણ અને ટોળા વિરુદ્ધ એટ્રોસિટિ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લીંબ ગામે જાન પર થયેલા હુમલાની તપાસ SC ST સેલના DYSP વિશાલ રબારીને સોંપતા જાન પર હુમલો કરનારા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.
અનુસુચિત જાતિના લોકો સાથે થયેલા અત્યાચારોની અન્ય ઘટના
નાંદીસણ ગામમાં જાતિવાદની ઘટના, પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી
અરવલ્લી જિલ્લામાં વધુ એક વાર જાતિવાદની ઘટના સામે આવી છે. મોડાસા તાલુકાના નાંદીસણ ગામમાં યુવતીના લગ્ન પ્રસંગે તેના ભાઈએ સાફો પહેર્યો હતો, જેના સામે ગામના મહિલા સરપંચના પતિ અને તેના પુત્રએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે વરઘોડો અટકાવતા મામલો તંગ બન્યો હતો. જોકે, સમયસર મોડાસા રૂરલ પોલીસ પહોંચી જતા મામલો થાળે પડ્યો હતો.
દલિત અત્યાચાર મામલો: દલિત આગેવાનો દ્વારા DYSP ફાલ્ગુની પટેલ સામે ફરિયાદ કરવા CMને કરાઇ રજૂઆત
ગાંધીનગર: મોડાસાના ખંભીસર ગામમાં દલિત સમાજના વરઘોડા દરમિયાન DYSP ફાલ્ગુની પટેલ મગજ પરનું કાબૂ ગુમાવતા મન ફાવે તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. જેને લઇને સમગ્ર મામલે દલિત સમાજના આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનથી લઈને ચીફ સેક્રેટરી સુધી D.Y.S.P ફાલ્ગુની પટેલ સામે FIR દાખલ કરવા માટે રજૂઆત કરી હતી. તો આ સાથે જ આ આયોજન પુર્ણ કાવતરૂ ઘડ્યું હોવાની આશંકાએ SRT રચના કરવાની પણ માંગ કરી હતી.
સાવરકંડુલાના થોરડીમાં દલિત દંપતી પર અત્યાચાર
અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં દલિત દંપતીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જમીન પચાવી પાડવા કાવતરું રચવા 8 જેટલા ઈસમોએ વાડી વિસ્તારમાં બોલાવી ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.