- અરવલ્લીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કૃષી બીલ ફાડી વિરોધ
- કૃષી બિલ પરત લેવા ઉગ્ર માગ
- દિલ્હી સ્થિત આંદોલન પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં મોડાસામાં સરકાર વિરૂદ્વ ઉગ્ર સુત્રોચાર
અરવલ્લીઃએક તરફ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ રાજ્યભરમાં ખેડૂત સંમેલન ઉપરાંત ખાટલા બેઠકો યોજી કૃષી બિલના તરફેણમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ ખેડૂત આંદોલનને સમર્થન આપી કૃષી બિલ પરત લેવા ઉગ્ર માગ સાથે વિરોધ પ્રદર્શન કરતા કાર્યક્રમો આપી રહી છે. અરવલ્લીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કૃષી બીલ ફાડી વિરોધ નોંધાવ્યો હતો.
કૃષી બિલ ફાડી વિરોધ નોંધાવ્યો
અરવલ્લી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ દિલ્હી સ્થિત આંદોલન પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં મોડાસા 4 રસ્તા પર સરકાર વિરૂદ્વ ઉગ્ર સુત્રોચાર અને નવો કૃષી કાયદો પરત લેવાની માગ સાથે કૃષી બિલ ફાડી વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમખ કમલેન્દ્ર સિંહ પુવાર કૃષી બિલ સળગાવવા જતા હતા. તે દરમિયાન પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો પાસેથી કૃષી બિલ લઇ લીધા હતા. કૃષી બિલનો વિરોધ કરી રહેલા કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય ગેર હાજર
અરવલ્લી જિલ્લાના મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ઠાકોર આ વિરોધ પ્રદર્શન માં ગેરહાજર રહેતા અને તર્ક વિતર્ક સર્જાયા હતા. નોંધનીય છે કે ધારાસભ્ય રાજેંદ્ર સિંહ ઠાકોર કોંગ્રેસ ના મોટા ભાગ ના કાર્યક્રમો વખતે ગેરહાજર રહી ચર્ચાનો વિષય બને છે.