- આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
- આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
- ગ્રેડ પે માં વધારો કરવાની કરી માંગ
અરવલ્લીઃ ગુજરાતમાં આગામી 16 તારીખથી કોરોના રસી આપવાની કામગીરીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતરતા સરકારની મુશ્કેલીઓમાં વધારો થશે તેવુ લાગી રહ્યુ છે. રાજ્યના 33 હજાર આરોગ્ય કર્મચારીઓ અચોક્ક્સ મુદતની હડતાળ પર ઉતર્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના આરોગ્ય કર્મીઓ પણ હડતાલ પર ઉતરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
કોરોનાની રસી આપવાની કામગીરીથી તેઓ અળગા રહેશે
જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે કોરોના વેક્સિન ગુજરાતમાં આવી ગઇ છે, જોકે, આરોગ્ય કર્મચારીઓ, વણઉકેલ્યા પ્રશ્નોને લઇ હડતાળ પર ઉતરતા, સરકાર મુશ્કેલીમાં મુકશે તેવુ લાગી રહ્યુ છે. રાજ્યના 33 જિલ્લા પંચાયતના 33 હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓએ જાહેર કર્યુ છે કે, 16મી જાન્યુઆરીથી રાજ્યમાં શરૂ થનારી કોરોનાની રસી આપવાની કામગીરીથી તેઓ અળગા રહેશે. એટલુ જ નહિ આરોગ્ય કર્મચારીઓ કોરોના વોરિયર્સ તરીકે રસી પણ નહિ લે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.
રૂપિયા 2800 ગ્રેડ પે કરવા સહીતની વિવિધ પડતર માંગણીઓ કરવામાં આવી
રાજ્ય વ્યાપી હડતાળને પગલે અરવલ્લી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના 7 કેડરના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જેમાં FHW, MPHW, FHS, MPHS, ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન અને સ્ટાફ નર્સ વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જિલ્લાના આરોગ્ય કર્મીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ગ્રેડ પે રૂપિયા 1900 થી વધારી રૂપિયા 2800 કરવા સહીતની વિવિધ પડતર માંગણીઓ કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા