અરવલ્લી: લોકડાઉનમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પર પ્રતિબંધ છે, પરંતુ પ્રેમ આંધળો હોય છે. એટલે પ્રેમમાં પડેલા યુવાન-યુવતી પ્રેમ માટે કોઈપણ હદે જઈ શકે છે. બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની યુવતી કેટરીંગના કોંટ્રાકટરને ત્યાં નોકરી કરતી હતી. ત્યાં ખેડા જિલ્લાના પરિણિત યુવક સાથે પ્રણય પાંગર્યો હતો. સામાન્ય દિવસોમં યુવક અને યુવતી બન્ને અચૂક મળતા. આ વાતથી યુવતીના પરિવારજનો વાકેફ હતા.
લોકડાઉનમાં પ્રેમીએ મળવાનું ટાળતા યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ જો કે, લોકડાઉન હોવાના કારણે યુવક મળવા આવી શકતો ન હતો. અને તેણે ફોન પર વાત કરવાનું પણ બંધ કરી દીધુ હતું. જેથી યુવતીએ એમ માની લીધું કે તેના પ્રેમીએ તેને દગો આપ્યો છે. અને તેણે તેનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
આત્મહત્યાનો નિર્ણય કરી ઘરેથી નિકળેલી યુવતીએ 181 અભયમ હેલ્પલાઈનને ફોન કરી તમામ વાત જણાવી હતી. અને પોતે આત્મહત્યા કરવા જઇ રહી છે તેમ કહ્યું હતું. 181 અભયમ ટીમના કાઉન્સિલર શિલ્પા ગામીતે યુવતીનો ટેલિફોનિક સંપર્ક ચાલુ રાખી તાબડતોડ 181 અભયમ ટિમના કોન્સ્ટેબલ ઇલાબેન અને પાયલોટ જીતેન્દ્રભાઈ સાથે બાયડના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચવા રવાના થયા હતા.
જો કે, 181 અભયમ ટીમ ગામમાં પહોંચે તે પહેલા યુવતીએ હાથની નસ કાપી નાખતા બેભાન થઇ રસ્તા પર પડી હતી. જેને ત્યાંથી પસાર થતા રાહદારીએ સારવાર અર્થે દવાખાને ખસેડી હતી.
આ દરમિયાન 181 અભયમ ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવતીનું કાઉન્સલીંગ કર્યુ હતુ. આ ઉપરાંત તેના પ્રેમી સાથે પણ વાત કરાવી હતી અને યુવતીને ખોટું પગલું ન ભરવા સમજાવી તેના પરિવારજનોને સોંપી હતી.