- મેશ્વો ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાયું
- મોંઘું બિયારણ લાવી વાવેતર કર્યુ છે ત્યારે પાક મુરજાય તેવી પરિસ્થિતિ
- ખેડૂતોએ એકત્ર થઇ પાણી આપવા માગ કરી
અરવલ્લીઃ જિલ્લામાં રવિ પાક માટે જિલ્લાના 4 ડેમોમાંથી ખેડૂતોને પાણી આપવામાં આવે છે. જેમાં મેશ્વો ડેમની કેનાલ વિસ્તારના ખેડૂતોને શરૂઆતના 2 રાઉન્ડનું પાણી આપવામાં આવ્યુ હતું. જો કે, ત્રીજા રાઉન્ડનું પાણી ટેકનીકલ કારણોસર ન આપવામાં આવતા સિંચાઇ માટે કેનાલના પાણી પર નિર્ભર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડુતોએ રવિ સિઝન માટે 900 રૂપિયે મણ ઘઉં અને 3000 રૂપિયે મણ બટાકાનું મોંઘું બિયારણ લાવી વાવેતર કર્યુ છે, ત્યારે પાક મુરજાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
6 હજાર ખેડૂતોની 4,600 હેક્ટર જેટલી જમીન પર સંકટ
મેશ્વો કેનાલ થકી આપવામાં આવતા પાણીથી 6 હજાર ખેડૂતો ખેતી કરે છે. ત્રીજા રાઉન્ડના પાણી ન મળવાથી અંદાજે 4,600 હેક્ટર જેટલી જમીન પર વાવણી કરેલા રવિ પાક પર સંકટ તોળાઈ રહ્યું છે .