- FIR રદ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
- માલપુર નાગરિક સહકારી બેંકની સામાન્ય સભામાં કેટલાક દિવસ પહેલા હોબાળો થયો હતો
- બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ પર આક્ષેપ
અરવલ્લી:માલપુર નાગરિક સહકારી બેંકની સામાન્ય સભામાં કેટલાક દિવસ પહેલા હોબાળો થયો હતો. જેમાં ભાજપ યુવા મોરચાના મહાપ્રધાન કશ્યપ પટેલે આક્ષેપ કર્યો હતો કે, બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલ અને તેમના પરિવારજનોએ તેમની પર હુમલો કરીને તેને લૂંટી લીધા હતા. આ અંગેની ફરિયાદ માલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ ઘટનામાં નોંધાયેલી FIR વિરુદ્ધમાં બાયડના ધારાસભ્યના સમર્થનમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસે શક્તિપ્રદર્શન કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ફરિયાદ રદ કરવા ઉગ્ર માગ કરી હતી.
ખોટી ફરિયાદ સામે કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં વાંધો ઉઠાવી ન્યાયની માગ કરી
અરવલ્લી જિલ્લાની માલપુર નાગરિક બેન્કની સામાન્ય સભામાં હોબાળાના પગલે જિલ્લાનું રાજકારણ ગરમાયુ હતું. ગત શનિવારના રોજ માલપુર માર્કેટયાર્ડના સભાખંડમાં માલપુર નાગરિક સહકારી બેન્કની યોજાયેલી જનરલ સભામાં ભાજપા યુવા મોરચાના મહામંત્રી કશ્યપ પટેલ પર કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલ, પુત્ર નિશ્ચલ પટેલ, અરવિંદ પટેલ અને અમૃત પટેલે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે પુર્વ ધારાસભ્ય ઘવલસિંહ ઝાલાના કથિત માર્ગદર્શન હેઠળ આરોપીઓ વિરૂદ્વ ફરિયાદ નોંધવવા હંગામો કરતા આખરે માલપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઇ હતી.