અરવલ્લી : કોરોનાના કહેર વિશ્વને હચમચાવી મૂકયુ છે. દુનિયાભરમાં કોવિડ-19 સામે રક્ષણ મેળવવા, રસી માટે સંશોધનો અને પરિક્ષણો ચાલી રહ્યા છે. જોકે, હજુ કોઇ દેશને કોરોનાની રસી બનાવવામાં સફળતા મળી નથી. ત્યારે ભારતમાં કોરોનાના કહેર વચ્ચે આયુર્વેદિક દવાનું ચલણ વધતાં, ઔષધીય છોડની માંગ વધી છે. કોરોનાની મહામારીમાં હવે લોકો ફૂલછોડ ઉગાડવા કરતા ઔષધીય વનસ્પતિ છોડ પસંદ કરી રહ્યા છે.
કોરોના કહેરથી બચવા લોકો ઔષધિય છોડ પર કળશ ઢોળી રહ્યા છે - આયુર્વેદિક ઔષધી
વર્ષાઋતુમાં વન વિભાગ તરફથી પર્યાવરણને હરિયાળું બનાવવા અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા જાહેર જનતાને વિનામૂલ્યે છોડ આપવામાં આવે છે. સામાન્ય રીતે લોકો પોતાના આંગણને સજાવવા માટે શુશોભન છોડ પસંદ કરતા પરંતુ કોરોનાની મહામારીને લઇને આ વખતે આયુર્વેદિક છોડની માંગ વધી છે. જૂઓ ખાસ અહેવાલ...
વન વિભાગ દ્વારા ગત વર્ષે 3 લાખ ઔષધીય રોપા તૈયાર કર્યા હતા, જેનું મોટા ભાગે વિતરણ થઈ ચુક્યું છે. કોરોનાની મહામારીમાં અરવલ્લી જિલ્લા આયુર્વેદિક વિભાગ દ્વારા સતત ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે કોરોનાના સંક્રમણથી બચવા લોકો ઘરઆંગણે ઉગાડવા માટે તુલસી,અરડૂસી,કુંવારપાઠુ, ગળો, જેવા રોપાઓ લઈ જાય છે.
સામાન્ય દિવસોમાં ઔષધી રોપા વધી પડતાં હતા, જેને વનવિભાગ દ્વારા વૃક્ષ રથ થકી વિતરણ કરવાની વ્યવસ્થા કરવી પડતી હતી, પણ આ વર્ષે લોકો આયુર્વેદિક ઔષધીઓના મૂલ્યને સમજીને આ રોપાને ઘરના આંગણમાં વાવી રહ્યા છે.