ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન શરૂ - local body elections

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ઉમેદવારોમાં થનગનાટ અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવારી પત્રોના વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ફોર્મ મેળવા માટે જે તે કચેરીએ ઉમેદવારોનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ વખતે જિલ્લા અને તાલુકા કક્ષાએ કેટલીક સીટો પર ત્રીપાંખીયો તો મોડાસા નગરપાલિકામાં બહુપાંખીયો જંગ ખેલાશે. ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે, તેમ તેમ રાજકીય પક્ષોમાં ગતિવીધી તેજ થઇ ગઈ છે.

અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન શરૂ
અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન શરૂ

By

Published : Feb 11, 2021, 5:58 PM IST

  • સ્થાનિક સ્વારાજની ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન શરૂ
  • જિલ્લા અને તાલુકા કક્ષાએ કેટલીક સીટો પર ત્રીપાંખીયો જંગ ખેલાશે
  • મોડાસા નગરપાલિકામાં બહુપાંખીયો જંગ ખેલાશે

અરવલ્લીઃ વર્ષોથી અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી છે. જોકે, આ વખતની ચૂંટણીમાં નવા ખેલાડીઓના આગમનથી ચૂંટણી જંગની રણનિતીમાં ચોક્ક્સથી બદલાવ આવશે. રાજકીય ભાષણોમાં, હવે ભાજપ અને કોંગ્રેસના વક્તાઓએ, એક તીરથી ત્રણ-ચાર નીશાન સાધવા પડશે. નવા પક્ષો, ચૂંટણી જંગમાં જંપલાવવાથી, ઉમેદવારી કરવા થનગનતા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે.

એમ.આઈ.એમ પક્ષના અગામનથી સૌથી વધારે કોંગ્રેસને નુકશાન થવાની શક્યતા?

ગુજરાતમાં એમ.આઈ.એમ પક્ષના અગામનથી સૌથી વધારે કોંગ્રેસને નુકશાન થવાની શક્યતા છે. કેમકે પરંપરાગત કોંગ્રેસના સમર્થક લધુમતિ મતદારોમાં, નવા પક્ષ તરીકે એમ.આઇ.એમ એક વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે. મોડાસા નગરપાલિકામાં પણ કેટલાક વોર્ડમાં એમ.આઈ.એમના ઉમેદવારો ચૂંટણી લડવાના હોઇ, કોંગ્રેસને ગત વખત મળેલી 10 સીટો ટકાવી રાખવા પક્ષના અંદરના મતભેદો અને ટાંટીયા ખેંચ છોડી, એક જુટ થવુ પડશે. હાલ પરિસ્થિત જોતા કોંગ્રેસને ગત વખત કરતા ત્રણથી ચાર સીટ ઓછી આવશે તેવુ રાજકીય વર્તળોમાં ચર્ચાઈ રહ્યુ છે.

ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી

ભાજપમાં પણ વર્ષોથી પક્ષને વરેલા કાર્યકર્તાઓની જગ્યાએ કેટલાક વગવાળા ટીકીટના દાવેદારોનો રાફડો ફાટતા ટીકીટ કોને આપવી તે અંગે અસમંજસ છે. આ વખતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ફરમાનથી યુવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે, ત્યારે વર્ષોથી “મારો વારો આવશે”ની રાહ જોઈને બેઠેલા 60 વર્ષ વટાવી ચૂકેલા સીનીયર સીટઝનોના ચૂંટણી લડવાના અભરખા અધુરા રહી ગયા છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી છે. તેથી તમામ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત ઝડપથી કરવામાં આવશે, ત્યારે અસંતુષ્ટો દ્વારા પક્ષની અંદર રહીને ઉમેદવારનો ખેલ પુરો કરવાના પેંતરા પણ રચાશે.

કેટલી સીટો પર ચૂંટણી યોજાશે?

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 23 જાન્યુઆરી 2021ના રોજ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવતા જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. જે અંતર્ગત આગામી 28 ફેબ્રુઆરી 2021ના રોજ અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયતની 30 બેઠકો તથા 6 તાલુકા પંચાયની 128 તેમજ મોડાસા શહેરી વિસ્તારના 9 અને બાયડ નગરપાલિકાની 6 વોર્ડ પર સામાન્ય ચૂંટણી, નગરપાલિકાની બે બેઠકો પર ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે.

કેટલા મતદારો?

જેમાં જિલ્લાના મતદારયાદીમાં સમાવિષ્ટ 3,76,842 પુરૂષ મતદારો અને 3,59,084 મહિલા મતદારો, 36 અન્ય મતદારો મળી કુલ 7 લાખ 35 હજાર 962 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જયારે બે નગરપાલિકા વિસ્તારના 34,878 પુરૂષ મતદાતા, 34,486 સ્ત્રી મતદાતાઓ અને 3 ત્રીજી જાતિના મતદારો મળી કુલ 69 હજાર 367 મતદાતા મતદાન કરશે. જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકો માટે 997 મતદાન મથક જ્યારે નગરપાલિકાની 15 બેઠકો માટે 83 મતદાન મથકો નિયત કરાયા છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 2192 અને નગરપાલિકા ચુંટણી માટે 199 બેલેટ યુનિટ અને 101 કંટ્રોલ યુનિટ સાથેના મલ્ટી ચોઇસ ઇ.વી.એમનો વપરાશ કરવામાં આવશે.

ઉમેદવારો કેટલો ખર્ચ કરી શકશે

આદર્શ આચાર સંહિતાના અમલ સાથે જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે 28 મુખ્ય નોડલ અધિકારી, જનરલ કામગીરી માટે 14 અન્ય અધિકારીઓને નોડલ તરીકે નિમવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત ઉમેદવારો માટે રૂપિયા 4,00,000 ચુંટણી ખર્ચ, તાલુકા પંચાયત ઉમેદવાર રૂપિયા 2,00,000 જ્યારે નવ વોર્ડ સુધીની નગરપાલિકાના વોર્ડ ઉમેદવારને રૂપિયા 1,50,000 સુધીના ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

કોરોના વાઈરસની ગાઈડ લાઈનનું પાલન કરાશે

ચૂંટણીઓ દરમિયાન પણ કોવિડ-19ની ગાઈડલાનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે માટે જિલ્લા વહિવટી તંત્ર સજ્જ બની આરોગ્યની ટીમો કાર્યરત રહેશે. આ સાથે મતદાન મથકો ઉપર થર્મલ ગન, ફેસ શીલ્ડ, થ્રી લેયર માસ્ક, એન-95 માસ્ક, હેંડ ગ્લવઝ, લીકવીડ સોપ, સેનેટાઇઝર સ્પ્રે વગેરે વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન શરૂ

ABOUT THE AUTHOR

...view details