અરવલ્લીઃ જિલ્લામાં આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. જિલ્લાભરમાંથી છેલ્લા બે દિવસમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જ્યારે છેલ્લા અઠવાડીયાની વાત કરીએ તો માત્ર 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, કે આંકડાની માયાજાળ - Corona virus
અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં એક પણ કોરોનાનો કેસ ના નોંધાતા તંત્રએ અને પ્રજાએ હાશ્કારો અનુભવ્યો હતો. જિલ્લામાં છેલ્લા આઠ દિવસમાં માત્ર 11 વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત થયા છે, તેમજ હાલ ફકત 15 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં આજદિન સુધી નોધાયેલા COVID-19ના પોઝિટિવ 341 કેસો પૈકી 285ની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
કોરોનાના કેસની ઘટતી સંખ્યાને લઇને એક બાજુ જ્યારે જિલ્લાવાસીઓ રાહત અનુભવી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક લોકોનું માનવું છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાનગી લેબોરેટરી મારફતે ટેસ્ટ કરાવી રીપોર્ટ પોઝિટિવ આવે તો જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કર્યા વિના મોટા શહેરોમાં સારવાર કરાવવા જતા રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગની સતર્કતા અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે.
છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી મૃત્યુ થનારા દર્દીઓના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. જોકે, મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં કોરોનાથી 40થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આંકડાની માયાજાળમાં વાસ્તવીક પરિસ્થિતીનો અંદાજ લગાવવો મુશકેલ બની જાય છે.