અરવલ્લી જિલ્લામાં વિશ્વ બાળ નાબૂદી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જો કે જમીન પર હકીકત કંઇક જુદી છે. ફકત બાળ મજુરી નાબુદીના કાર્યક્રમો કરી અધિકારીઓ સરકારને અને લોકોને બતાવી રહ્યા છે કે, હવે બાળ મજુરી નાબુદ થઇ ગઇ છે. રોડ રસ્તાઓના કામમાં મોટી સંખ્યામાં બાળકો કામ કરી રહ્યા છે, જે તંત્રને દેખાતું જ નથી.
‘બાળ મજૂરી નાબૂદી’ની તૈયારીમાં પણ બાળકોનું જ શોષણ, જુઓ વીડિયો
અરવલ્લીઃ વિશ્વ બાળ મજૂરી નાબૂદીના ઉજવણીઓ ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ તંત્રની નાક નીચે જ બાળ મજૂરો કામ કરી રહ્યા છે. જેના પરથી લાગી રહ્યું છે કે, સરકારી બાબુઓને ફકત તાયફા કરવામાં જ રસ છે અને કામગીરી માત્ર કાગળ પર છે.
અરવલ્લી જિલ્લાના સાયરાથી વણિયાદ સુધીના જે રોડનું કામ થઇ રહ્યું છે. જેમાં કામદારોમાં બાળકો પણ કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો ઓછા પૈસા આપવાની લ્હાયમાં બાળ મજૂરોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે મીડિયાનો કેમેરો બાળ મજૂરી પર ફેરવાયો ત્યારે તુરંત જ તમામ બાળકોને ત્યાંથી અન્યત્ર ખસેડી દેવાયા હતા. ગણતરીની મીનિટોમાં તમામ બાળકો ડુંગર વિસ્તારમાંથી દોડીને ભગાડી દેવાયા હતા. બાળકો આટલી ગરમીમાં પિસાઈ રહ્યા છે. બાળકો પાસે મજૂરી કરાવતા કોન્ટ્રાક્ટરો તેમજ જે તે એજન્સી વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી કરાશે તે એક પ્રશ્ન છે.