મોડાસામાં તામિલનાડૂના રહેવાસી રાજુભાઈ ઢોંસા વાળાને કોઈ કામ અર્થે પોતાના વતન ચેન્નઈ જવાનું હોવાથી તેમણે ગૂગલ પર ઉપલબ્ધ એસ. આર. એસ ટ્રાવેલ્સ કંપનીને કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી તેમને એક નવો નંબર આપી જણાવ્યું કે, આ નંબર પર ઓનલાઈન બુકિંગ થાય છે.
મોડાસામાં ઢોંસાની રેકડીવાળો બન્યો ઓનલાઈન ફ્રોડનો શિકાર, ખાતામાંથી 50 હજાર ઉઠાવી લીધા - Police
અરવલ્લીઃ ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જાય છે. જેના કારણે હવે લોકો જાગૃત થયા છે અને ભાગ્યે જ કોઈ જાળમાં ફસાય છે. જોકે હવે સાઇબર ચોર નવો કીમિયો અજમાવી રહ્યા છે. જેમાં ભોગ બનનારને કંપની મારફતે વિશ્વાસમાં લઈ ખાતામાંથી નાણા ઉપાડવાની ઘટના સામે આવી છે.
રાજુભાઈએ જ્યારે ઓનલાઈન બુકિંગ માટે આપેલા નંબર પર ફોન લગાવ્યો, ત્યારે સામેથી તેમને જણાવવામાં આવ્યું કે, બુકિંગ માટે રૂપિયા 50 ચાર્જ લેવાનો છે, એટલે તમારા ખાતા નંબરની વિગત આપો. google પર ઉપલબ્ધ ટ્રાવેલ કંપની હોવાથી રાજુભાઈએ વિશ્વાસમાં ખાતા નંબર આપ્યો હતો. ત્યાર બાદ સામેથી જણાવ્યું કે, તેમના ફોન નંબર ઉપર ઓ.ટી.પી નંબર આવ્યો છે, તેને આપો એટલે રાજુભાઈ ઓ.ટી.પી નંબર પણ આપી દીધો. જ્યારે ઓટીપી નંબર આપ્યો કે, તુરંત જ તેમના ખાતામાંથી એક વખત ચાલીસ હજાર અને બીજી વખત દસ હજાર એમ કુલ 50 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા.
પોતાના ખાતામાંથી રૂપિયા પચાસના બદલે રૂપિયા 50 હજાર ઉપડી ગયા હોવાથી રાજુભાઈ હાંફળા ફાફળા થઈ બેંકમાં ગયા, ત્યારે બેંકમાંથી તેમને પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. રાજુભાઈએ પોલીસ ફરિયાદ કરી પરંતુ હજુ સુધી ચોરની કોઈ જાણ થઈ નથી.