અરવલ્લી : વાહનોથી ફેલાતું પ્રદૂષણ અટકાવવા માટે હવે કારમાં કંપનીઓ વિશેષ પ્રકારના સાયલન્સર ઉપયોગ કરી રહી છે. કારના સાયલેન્સરોમાં કેટાલિક કન્વર્ટર આવે છે જેનાથી પ્રદૂષણ ફેલાતું અટકાવી શકાય છે. તે માટે આ કન્વર્ટરમાં કિંમતી ઘાતુ એવી પ્લેટિનિયમ જાળી હોય છે. કિંમતી ધાતુઓનું મિશ્રણ ધરાવતી સૌથી મોટી જાળી ઈકો કારના સાયલેન્સરમાં આવતી હોવાથી તે ગ્રે માર્કેટમાં 10થી 15 હજાર રૂપિયામાં વેચાય છે. જેથી અરવલ્લી અને સાબરકાંઠામાં ઇકો કારમાંથી સાયલેન્સરની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ હતી. થોડાક દિવસો પહેલા જિલ્લાના શામળાજી નજીક ઇકો કારમાં સાયલન્સરની ચોરી થયા બાદ મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આવેલ ગેરેજમાં રહેલી ઇકોકારમાં સાયલન્સરની ચોરી થતા ચોરોને ઝડપી પાડવા એલ.સી.બી પોલીસ હરકતમાં આવી હતી.
અરવલ્લી LCBએ સાયલન્સર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો - સાબરકાંઠા
અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લામાંથી ઇકો કારના સાયલન્સર ચોરીની ઘટનાઓ બનતા પોલીસ ચોરને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરતા સમગ્ર ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થયો હતો.
અરવલ્લી LCBએ સાયલન્સર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો
જેમાં જિલ્લા LCBએ ગણતરીના દિવસોમાં સાયલન્સરની ચોરી કરનાર ગેંગના સભ્યો સચિનકુમાર ધીરજભાઇ બામણા અને તાહિરહુસૈન મુરાદશા ફકીરને ઝડપી પાડ્યા હતા. પોલીસ પુછપરછ દરમ્યાન આરોપીઓએ કબલ્યુ હતુ કે, તેઓ અલગ અલગ જગ્યાઓએથી અંબુજા કંપનીમાં ઇકો ગાડીઓ ભાડે રાખવાની છે, તેમ જણાવી બજારમાં લઇ જઇ અંદાજે પચાસેક ગાડીઓના સાયલન્સરમાંથી ધાતુનો પદાર્થ કાઢી લીધા છે. જેને લઇને પોલીસે આરોપીઓ વિરૂદ્વ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.