અરવલ્લીઃ એક વર્ષ અગાઉ જિલ્લાના માનડા ગામમાં હત્યાની ઘટનાને અંજામ આપનારા આરોપીને જિલ્લા LCBએ ઝડપી પાડ્યો છે. આરોપીએ તેની પત્ની સાથે તેના સાઢુના આડા સંબધોને લઇ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ તેના 26 વર્ષીય સાઢુ રણજીત ડામોરની દારૂમાં ઝેર નાખી હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવાના ઇરાદે મૃતદેહને પાણીમાં નાખી દીધો હતો.
અરવલ્લીમાં પત્નીના આડા સંબંધને લઇ વધુ એક હત્યા, અરોપી પોલીસના સકંજામાં એક વર્ષ અગાઉ જિલ્લાના માનડા ગામની તલાવડીમાં ભુવાલ ગામના 26 વર્ષીય રણજીત ડામોરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તલાવડીમાંથી મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. આ ઉપરાંત તલાવડીનું પાણી FSL માટે અમદાવાદ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હતું.
FSL તપાસણી અહેવાલ આવતાં વિશેરામાં રાસાયણિક ઝેરની હાજરી મળી આવી હતી, પરંતુ ડાયટોમ્સની હાજરી નહીં આવતાં મૃતકને કોઇએ ઝેરી પદાર્થ પીવડાવી મોત નિપજાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે મેઘરજના ઇસરી પોલીસ સ્ટેશનમાં મોત અંગે આગળ કાર્યવાહી કરવામાં આવી હતી.
મોત અગે અંગત બાતમીદારો તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ વડે તપાસ કરતાં મૃતકના સાઢુ પ્રભુ ખરાડી શંકાસ્પદ જણાતાં પોલીસે તેની અટકાયત કરીને પુછપરછ કરી હતી. જેમાં આરોપીએ પત્નીના આડા સબંધનો વહેમ રાખી હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે આરોપી વિરૂધ ઇસરી પોલીસ સ્ટેશન ઇ.પી.કો.ક.302, 201 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.