ગુજરાતની જનતા હવે પક્ષપલ્ટુની સાથે જુબાન પલ્ટુઓ નેતાઓને ઓળખી ગઈ છે. એટલે જ પેટાચૂંટણીના પરિણામોમાં ભારે રસાકસી બાદ પક્ષપલ્ટુ બંને નેતાઓની કારમી હાર થઈ છે. અલ્પેશ ઠાકોરનો 3800 મતોથી પરાજય થયો છે, જ્યારે ધવલસિંહ ઝાલા 761 મતે હાર્યા છે. આ તરફ બંને નેતાઓની સામે કોંગ્રેસના ઓછા જાણીતા ચહેરાઓની જીત થઈ છે. આ બાબત પણ બંને પક્ષપલ્ટુ નેતાઓ માટે તમાચા સમાન છે.
બીજીતરફ અલ્પેશ ઠાકોરની હારનું વિશ્લેષણ જોઈએ તો અલ્પેશ ઠાકોરે પહેલા સમાજને તરછોડ્યો બાદમાં કોંગ્રેસને, આ મુખ્ય કારણો તેની હાર માટે જવાબદાર છે. સમાજના નામે અલ્પેશ આંદોલનકારી નેતા બનીને ઉભર્યો હતો. રોજગારી અને દારૂબંધી જેવા મુદ્દાઓ આગળ કરી સરકારને અવાર-નવાર ઘેરનારો અલ્પેશ રાજકારણમાં ન જોડાવવાના સોંગધ ખાતો હતો. પરંતુ રાજકારણમાં જોડાઈ તેણે જે-તે પક્ષોની ભાષા બોલવાની શરૂ કરી દીધી હતી.
2017ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય પદુ મેળવવાની લાલચવશ તેણે કોંગ્રેસમાં જોડાઈ રાધનપુરથી નસીબ અજમાવ્યુ હતુ, જ્યાં પ્રજાએ તેને સમાજનો અને લોકોનો અવાજ ઉઠાવનાર નેતા તરીકે જોતા વિધાનસભામા મોકલ્યો હતો. બાદમાં અલ્પેશ ઠાકોર થોડો સમય કોંગ્રેસમાં રહી પક્ષમાં સમાજની અવગણના થતી હોવાનું બહાનુ ધરી ભાજપમાં જોડાઈ ગયો. તેનું એક કારણ એમ પણ મનાય છે કે ભાજપમાં ધન અને પ્રધાનપદુ મેળવવા માટે તે જોડાયો હતો.
પક્ષપલ્ટો કરી કોંગ્રેસ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ સહિત પોતાના મતદારોને છેતર્યા હોવાનુ દેખાઈ રહ્યું હતુ. જેનું આજે પેટાચૂંટણીમાં પરિણામ સ્વરૂપે સબળું પાસુ પણ મળી આવ્યું છે. ભાજપમાં જોડાયા બાદ રાધનપુરથી પેટાચૂંટણી લડનારા અલ્પેશ 3800 મતોથી હારનો સામનો કરવાનો વખત આવ્યો છે. અહીં તેને પ્રજાએ રીતસર જાકારો આપ્યો છે, કારણ કે રાધનપુર બેઠક પર 2017માં જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરનાર અલ્પેશ આ વખતે અહીં ઓછા જાણીતા ચહેરા એટલે કે કોંગ્રેસના રઘુ દેસાઈ સામે હારી ગયા છે. પ્રજાએ પક્ષપલ્ટુ નેતા પર ફરી વિશ્વાસ ન કરી દર્શાવ્યુ છે કે ભાજપમાંથી લડનાર તમામ ઉમેદવારો જીત મેળવે તે દરેક વખતે સાચુ પડતુ વિધાન નથી.
ધવલસિંહ ઝાલાને પણ કરવો પડ્યો હારનો સામનો બીજીતરફ અલ્પેશ ઠાકોરના જૂથના અને બાયડના પૂર્વ ધારાસભ્ય તેમજ એક સમયના કોંગ્રેસના નેતા ધવલસિંહ ઝાલાએ પોતાના જ પગ પર કુલ્હાડી મારી છે. કોંગ્રેસમાં રહી ધારાસભ્ય બનેલા ધવલસિંહે અલ્પેશ ઠાકોરની સાથે રાજીનામું આપી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. જેથી બાયડ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ નિરાશ થયા હતા. આ સાથે જ બાયડમાં કાર્યકર્તાઓએ તેમનો સાથ છોડ્યો હતો, તેમના જૂથના જ અને ઠાકોર સેનાના સભ્યોએ પણ તેમની વિરૂદ્ધ અભિયાન ચલાવ્યુ હોય તે રીતે અંદરથી તેમને હરાવવાનો નિશ્ચય કર્યો હતો. જેના ભાગ સ્વરૂપે ધવલસિંહ ઝાલાને બાયડની પેટાચૂંટણીમાં 761 મતે હારનો સામનો કરવો પડ્યો છે.
આ બંને નેતાઓને હરાવી ગુજરાતના મતદારોએ સાબિત કર્યુ છે કે, પક્ષપલ્ટુઓ હવે થંભી જજો. તેમજ નેતાઓએ જાહેરમાં કરેલા નિવેદનો પણ હવે મતદારો યાદ રાખશે, જેની અસર ચૂંટણી પરિણામોમાં જોવા મળશે.