અરવલ્લી: ગૃહકંકાસના પગલે આત્મહત્યાની વધુ એક ઘટનામાં મોડાસા નગરના મેઘરજ રોડ પર આવેલા અયોધ્યાપુરી ફલેટ્સમાં રહેતા 32 વર્ષીય મહિલાએ મોતને વહાલુ કરતા પરિવાજનો પર આભ તૂટી પડ્યું હતું.
મોડાસામાં 32 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી - અરવલ્લી જિલ્લાના સમાચાર
અરવલ્લી જિલ્લાના મોડાસામાં મેઘરજ બાયપાસ ચોકડી પાસે આવેલા અયોધ્યાપુરી ફ્લેટ્સમાં ચોથા માળે રહેતી 32 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી. આ ઘટનાની જાણ થતા મોડાસા રૂરલ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અયોધ્યાપુરી ફ્લેટ્સમાં પરિવાર સાથે રહેતી સોનલબેન ઉર્ફ ગુડ્ડી દક્ષેશભાઈ ઉપાધ્યાય નામની 32 વર્ષીય મહિલાને તેના પતિ સાથે રસોઈકામ અને ઘરકામ બાબતે બોલાચાલી થઇ હતી. આ બાબતે મહિલાને માઠું લાગી આવતા તેણે બુધવારે રાત્રીના સુમારે ઘરમાં રહેલા પંખા સાથે દુપટ્ટો લગાવી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ થતા મહિલાના સગા-સંબંધીઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.