બાયડ તાલુકાના ડેમાઇ ગામમાં એક યુવકની હત્યા આરોપીએ લગ્નના ખર્ચ માટે રૂપિયાની જરૂરિયાતને લઇ કરી હતી. હત્યા કરનાર આરોપી રાજેશ પટેલને અરવલ્લી ડિસ્ટ્રીકટ કોર્ટે પુરાવાના આધારે આજીવન કેદની સજા ફટકારી હતી. આ કોર્ટના ચુકાદાથી મૃતક યુવક ધ્રુવના પરિવારજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ત્રણ વર્ષ આગાઉ બાયડ તાલુકાના ડેમાઇની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતાઅને જવેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલ જયેશભાઇ સોનીનો પુત્ર ધ્રુવ સોની રાત્રે બજાર ગયા પછી પરત ન ફરતા પરીવારજનોએ તેની શોધખોળ આદરી હતી. બીજા દિવસે સવારે ડેમાઇથી થોડે દુર આવેલા એક નાળા નીચે કોથળામાં પુરેલી હાલતમાં ધ્રુવની લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી. ધ્રુવ સોનીની હત્યા બાદ પોલીસે હત્યા કરનાર તેના મિત્ર રાજેશ રમણભાઈ પટેલેની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, રાજેશ રમણભાઈ પટેલે લગ્ન કરવા માટે રૂપિયાની જરૂરિયાત ઉભી થતા સોના-ચાંદીના દાગીના પહેરી ફરતા ગામના ધ્રુવ સોની નામના યુવકની હત્યા કરી ઘરેણાં લૂંટી લેવા પ્લાન બનાવ્યો હતો.