- વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૨ પૂર્વે યોજાયેલ ત્રિ-દિવસીય પ્રિ-એગ્રી સમિટનો આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રારંભ કરાયો
- કૃષિ વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ નિષ્ણાતો સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા
- કૃષિ યુનિવર્સિટીમાં 300 સ્ટોલ ખુલ્લા મુકાવામાં આવ્યાં
આણંદ: રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ(Department of Agriculture and Farmer Welfare) દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2022(Vibrant Gujarat Summit 2022) પૂર્વે યોજાયેલ ત્રિ-દિવસીય પ્રિ-એગ્રી સમિટનો આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રારંભ કરાયો(Inauguration of pre agri summit at Anand Krishi University) હતો. જેમાં કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાતના આ દસમા સંસ્કરણ નવી ઊંચાઈ સ્થાપિત કરશે અને વાયબ્રન્ટ ગુજરાત થકી રોકાણકારોને આકર્ષી રાજ્યની સુખ અને સમૃદ્ધિને નવી દિશામાં લઈ જવાનો માર્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશસ્ત કર્યો છે. રોકાણકારો, નીતિ નિર્ધારકો અને ઉપભોક્તાને એક છત્ર નીચે લાવવામાં વાયબ્રન્ટ ગુજરાત સફળ રહ્યું છે. આ પ્રસંગે રાજ્ય પ્રધાન જીતુ ચૌધરી, ત્રિપુરાના ગૃહ પ્રધાન રામપ્રસાદ પૌલ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ નિષ્ણાતો સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
સરકાર દ્વારા રૂપિયા એક લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી
આત્મ નિર્ભર ભારત યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા એક લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ, ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં નવા પ્રયોગો અને સંશોધન કરવા માટે સરકાર સતત પ્રોત્સાહન આપી રહી છે. રોકાણકારો અને કૃષિકારોએ તેનો લાભ લેવો જોઈએ અને મત્સ્ય ઉદ્યોગ અને ઘાસચારા માટે નવપ્રવર્તન કરવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા ૫૦ ટકા કેપિટલ સબસિડી આપવામાં આવે છે અને એક જ ઉદ્યોગ માટે માટે બંને યોજનાનો લાભ લઈ શકાય છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે રોકાણો વધતા સમૃદ્ધિ અને જન સુખાકારીમાં વધારો થયો છે. રોજગારીની તકો વધારે ઉજ્જવળ બની છે, તેના કારણે જ દેશમાં સૌથી વધુ રોજગારી ગુજરાત રાજ્ય પૂરી પાડી રહ્યું છે.