માહિતી પ્રમાણે, ઉંદેલ ગામના બસ સ્ટેન્ડ પાસે રવિવારે બપોરે અમુક વ્યક્તિઓ વચ્ચે નાણાકીય વ્યવહારને લઇ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામલો અચાનક ઉગ્ર સ્વરુપ ધારણ કરતા કેટલાક ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે સામા પક્ષના વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરી દેતા સામાન્ય બોલાચાલી અચાનક હિંસક અથડામણમાં ફેરવાઇ ગઇ હતી. બંને પક્ષ વચ્ચે થયેલ ઘાતક હથિયારોની મારામારીમાં પાંચ જેટલા વ્યક્તિઓને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં સારવાર દરમિયાન બે વ્યક્તિઓના મોત થયા હતા.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કરમસદની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ઘાયલોના પરિવારજનો થઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિકોના ટોળેટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. અચાનક જ નાનકડા ગામમાં થયેલ હિંસક મારામારીના કારણે સમગ્ર ગામમાં સન્નાટો પ્રસરી ગયો હતો. ઘટનાની ગંભીરતા જોતા તથા કોઈ અન્ય અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે રેન્જ આઇજી કક્ષાના અધિકારી સહિત જિલ્લાનો પોલીસ કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો છે.