- ખંભાતમાં મંગળવાર બપોર બાદ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
- શહેરમાં 6 ઇંચથી વધુ ધોધમાર વરસાદ ખબક્યો
- ઠેર ઠેર વૃક્ષો ધરાશયી,વીજપુરવઠો ખોરવાયો
આણંદઃતૌકતે વાવાઝોડાને કારણે ખંભાતના ભાલ, ચરોતર તેમજ કાંઠાગાળાના અનેક ગામોમા વૃક્ષો ધરાશયી થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ઉપરાંત શહેરમાં સાંજથી વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયાં હતા. પરામાં મીઠા પાટ ખાતે પરબડી ધરાશયી થઈ હતી. મોટા પ્રમાણમાં ખેતીવાડીને પણ નુકશાન થયું છે. શહેરના પાણિયારી વાડી ફળિયામાં વીજ પોલ ધરાશયી થતાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. રાધારીમાં પણ વીજલાઈન ઉપર લીમડો ધરાશયી થયા બાદ વીજ પુરવઠો ચાલુ હોવાથી અફડાતફડી મચી ગઇ હતી. ખંભાતમાં વહેલી સવારથી જ વીજળી ગૂલ થઈ ગઈ હતી. દરિયાકાંઠે 14 ફૂટ ઊંચા મોજા ઉઠયા હતા. રાલેજ, નગરા, ધુવારણ, ગામમાં તેમજ પરા વિસ્તારમાં મકાનના છાપરા ઉડી જવાની તેમજ વૃક્ષો પડી જવાની ઘટના બનવા પામી હતી.
આ પણ વાંચોઃ જલાલપોરના દીવાદાંડી-માછીવાડ ગામે છ ગાળાનું મકાન તૂટી પડ્યુ
130થી વધુ વૃક્ષો ધરાશયી થયા
ધુવારણ ખંભાત રોડ પર ડાલી ચોકડી પાસે ઝાડ પડવાથી રસ્તો બંધ થઈ ગયો હતો. પંથકમાં 130થી વધુ વૃક્ષો ધરાશયી થયા છે. ઉપરાંત ઠેર ઠેર 60થી વધુ કાચાં પાકા મકાનોને નુકશાન થયું છે. ભાલ પંથકમાં પણ 60થી વધુ વૃક્ષો ધરાશયી થવાની અને કાચા મકાનોને નુકસાનની ઘટના બની છે.
વીજ પૂરવઠો ખોરવાયો
ખંભાત સહિતના ભાલ, ચરોતર તેમજ કાંઠાગાળાના અનેક ગામોમાં અને વૃક્ષો ધરાશાયી થયા હતા જેને લઇ જનજીવન ખોરવાયું હતું અને વીજ પોલ તૂટી પડ્યા હતા તેમજ અનેક જીવંત વાયરો તૂટી પડતા તાત્કાલિક ખંભાતમાં વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત અનેક મકાનોના છાપરા ઉપર ઉડયા હતા અનેક વૃક્ષો શહેરથી ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો ઉપર તૂટી પડતા NDRFની ટીમ દ્વારા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી વરસાદ સાથે સો કિલોમીટર પ્રતિ ઝડપે ફૂંકાતા પવનને કારણે ખેતીના પાકને પણ વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે.