આણંદ : રાજ્ય સરકાર દ્વારા આસોદર ચોકડી પર બનાવવામાં આવનાર બોક્સ બ્રિજની ડિઝાઇનનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્થાનિકોની માગ છે કે આસોદર ચોકડી પાસે કોલમ બ્રિજનું નિર્માણ કરવામાં આવે જેથી સ્થાનિક વેેપારીઓ અને આસોદરમાં છૂટક રોજગારી કરતા હજારો વેેપારીઓને ફાયદો થાય.
આણંદની આસોદર ચોકડી ખાતે વેપારીઓએ કર્યો વિરોધ
વાસદ બગોદરા સિક્સ લેન રોડનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. તે વચ્ચે આસોદર ગામ પાસે આવેલી ચોકડી કે જે આસોદર આંકલાવ વિસ્તારનું ઇકોનોમિક હબ ગણવામાં આવે છે અને આ વિસ્તારના મોટા ભાગના ધંધા રોજગાર આ ચોકડી ઉપર નિર્ભર કરે છે. જોકે સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવનાર વાસદ બગોદરા સિક્સ લેન હાઇવે પર અશોદર ચોકડી પાસે બોક્સ બ્રિજના નિર્માણ કરવામાં આવનાર છે જેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા વાસદ બગોદરા રોડ પર આસોદર ચોકડી પર સિક્સ લેન રોડ પર અંદાજીત 800 મીટરનો બોક્સ બ્રિજની ડિઝાઇન સ્થાનિક લોકો માટે મોટો પ્રશ્ન ઉભો કરશે. જે અંગે તંત્ર અને સરકારને મુખ્ય પ્રધાન સુધી અવાર નવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ જ સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. જેના પગલે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તરફથી પ્રતિક્રિયા આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી કામ રોકો અને રોડ ચક્કાજામ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો મત વિસ્તાર છે, ત્યારે આ આંદોલન આગામી દિવસો રાજકીય ઓપલે તેવી શકયતાઓ રહેલી છે.