- ડૉ.વર્ગીસ કુરિયની યાદમાં ઉજવાય છે આ દિવસ
- અમૂલ ડેરીના પ્રણેતા તરીકે છે જાણીતા
- મિલ્ક મેન ઓફ ઇન્ડિયાની આજે 99મી જન્મજ્યંતી
આણંદઃ ડૉ.વર્ગીસ કુરિયન જેમના થકી આજે ભારત દેશમાં પશુપાલન એક વ્યવસાય બન્યો છે, અને ખેડૂતો તેના થકી એક સારો આવકનો સ્તોત્ર ઉભો કરી શકે છે. ડૉ. વર્ગીસ કુરિયન પાસે એટલી ડિગ્રી હતી કે, તે ધારે તે કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર સારા પગારે નોકરી કરી અને તેમનું જીવન સુખ શાંતિથી વ્યતીત કરી શક્યા હોત. કુરિયન પાસે સંપત્તિનો પણ અભાવ ન હતો. તેમના પિતા કોચીમાં સિવિલ સર્જન હતા. પરંતુ કુરિયનમાં નાનપણથી કંઈક અલગ કરવાનું ઝૂનૂન હતું. તેથી જ તેમને દૂધ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી અને એક નવી શરૂઆત કરી અને પદ્મશ્રી અને પદ્મવિભૂષણ જેવા સમ્માન મેળવી અને આજે અનેક લોકોના પ્રેરણા સ્ત્રોત બન્યા છે.
ડૉક્ટર વર્ગીસ કુરિયનની શ્વેતક્રાંતિ માટેની પ્રથમ શરૂઆત ત્યારે થઈ જ્યારે તેઓ સૌ પ્રથમવાર આણંદ આવ્યા હતા. જ્યારે તેઓ ગુજરાતમાં સરકારી રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં ડેરી એન્જિનિયર તરીકે નિમણૂક પામ્યા અને પોતે વિજ્ઞાનના છાત્ર હોવાના કારણે તેઓને પહેલેથી જ ટેકનોલોજી અને નવા પ્રયાસોને પ્રાયોગિક દ્રષ્ટિકોણ આપવાની ઇચ્છાઓના કારણે તેમણે દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગાયોના દૂધની જગ્યાએ ભેંસના દૂધને પ્રાધાન્ય આપવા માટે કામ ચાલુ કર્યું ત્યારના ચાલતા સંઘમાં તેમણે રજૂઆત કરી કે શક્ય હોય તો ભેંસના દુધના ઉત્પાદનને પ્રોત્સાહન આપો અને તેને વ્યવસાયિક ઓપ આપી ખેડૂતોને પશુપાલન ક્ષેત્રે રસ દાખવવા માટે પ્રોત્સાહિત કરો બસ આ જ ક્ષણથી ભારત દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિનું પ્રથમ સોપાનની શરૂઆત થઈ અને જોતજોતામાં ખેડા દૂધ ઉત્પાદન સંઘ અસ્તિત્વમાં આવ્યો સાથે સાથે સમગ્ર ગુજરાત અને દેશભરમાં ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા યથાર્થ પ્રયત્નો કરી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના માળખા તૈયાર કરી તેમના દ્વારા દૂધનું ઉત્પાદન કઈ રીતના વધારી શકાય તે દિશામાં ક્રાંતિકારી પગલાં હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ આજે અમુલ ડેરી સમગ્ર વિશ્વમાં ડૉક્ટર વર્ગીસ કુરિયનના દીર્ઘદ્રષ્ટિ કોણનો ડંકો વગાડી રહી છે.
'અમુલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા' , 'અમુલ દૂધ પીતા હે ઇન્ડિયા' જેવી અનેક ટેગલાઇન આજે ગ્રાહકોના દિલમાં સ્થાન મેળવવામાં સફળ નીવડે છે. અમૂલ ડેરીના સફળ થયા બાદ ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા અમુક એવા પણ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરવામાં આવી છે. જે આજે દેશને તમામ મામલે એક નવી ઉંચાઈઓ સુધી લઈ જવા માટે પીઠબળ પુરૂ પાડી રહી છે. જેમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ 1965માં શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે 1973માં ચાલુ કરવામાં આવ્યું છે. મેનેજમેન્ટની અગ્રીમ સંસ્થાઓ જેવી કે IIM બેંગ્લોરમાં પણ તેઓ સદસ્ય રહી ચૂક્યા છે. ડૉક્ટર વર્ગીસના દેશ માટેના અમૂલ્ય ફાળાને દેશની સરકારે પણ ખુબ જ સરાહનીય કામગીરી ગણાવી છે તથા અનેક સંસ્થાઓ દ્વારા ડૉક્ટર વર્ગીસ કુરિયને અનેક એવોર્ડ આપવામાં આવ્યા છે.