"ગુટખા ચોર" ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ - GUTKHA GANG
આણંદ:ઉમરેઠ શહેરમાંથી આશરે બે મહિના અગાઉ બસ સ્ટેન્ડ પાસે આવેલા એક પાન મસાલાના ગોડાઉનમાંથી લાખો રૂપિયાની કિંમતના પાન મસાલાના કાર્ટૂનની ચોરી કરી ફરાર થઈ જનાર માલેગાવની 'ગુટખા ચોર ગેંગ'ના ત્રણ સભ્યોની આણંદ એલસીબીએ ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરેઠ બસ સ્ટેન્ડ પાસે બે મહિના પહેલા 'પદ્માવતી લીલા ગોડાઉન'ના દરવાજાના લોક તોડી વિમલ પાન મસાલાના 25 કાર્ટૂનની ચોરી થઈ હતી. જે મામલે ઉમરેઠ પોલીસ મથકે ગુનો નોંધાતા સમગ્ર મામલાની તપાસ પહેલા ઉમરેઠ પોલીસ અને ત્યારબાદ આણંદ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉમરેઠ અને તેની આસપાસના હાઇવે પર સીસીટીવી કેમેરા ચેક કરતા અને બાતમીદારોના નેટવર્કથી ચોરીની તપાસમાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવના ઇસમો દ્વારા ચોરી કરવામાં આવતી હોવાની વાત સામે આવતા આણંદ એલસીબીના સ્ટાફે 9 દિવસ પહેલાં આણંદ એલસીબીથી 6 વ્યક્તિની ટીમ બનાવી માલેગાવ રવાના થયા હતા. જ્યાં તપાસ હાથ ધરી અને ત્રણ જેટલા શખ્સોને દબોચ્યા હતા.