- આણંદ પોલીસે "નમન: આદર સાથે અપનાપન" પ્રોજેક્ટ કર્યો લોન્ચ
- વીડિયો કોલીંગ કરીને કોવિડ દર્દીઓ સાથે સંવાદ શરૂ કર્યો
- દર્દી કોઇ પ્રકારની ગભરામણ ન અનુભવે તે માટે કાઉન્સેલીંગ કરવામાં આવે છે
આણંદ: જિલ્લામાં કોરોના સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. હોસ્પિટલ બહાર દર્દીઓને સારવાર માટે દાખલ કરવા એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળી રહી છે. તેવામાં દર્દીઓની માનસિક પરિસ્થિતિ ડામાડોળ બનતી હોય છે. જિલ્લામાં મહત્તમ હોસ્પિટલમાં બેડ ફૂલ છે.
આ પણ વાંચો :સાબરકાંઠામાં કોરોના બેકાબૂ, સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાગી લાંબી કતાર
પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળ્યો
હાલ તંત્ર દ્વારા સામાન્ય લક્ષણો ધરાવતા દરદીઓને ગામમાંજ સારવાર મળી રહે તે રીતે રૂમ શાળામાં અથવા કોઇ સંસ્થાઓમાં કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. જેથી દર્દીઓના હોસ્પિટલ તરફના ઘસારાને ઘટાડી શકાય, ત્યારે દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન રહેવું મુશ્કેલ બનતું હોય છે. તેવામાં આવા દર્દીઓને માનસિક હિંમત અને તેમની સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી તેમને મજબૂત મનોબળ પુરુ પાડવાનો અનોખો પ્રયાસ આણંદ પોલીસે શરૂ કર્યો છે. જે અંતર્ગત "નમન: આદર સાથે અપનાપન" પ્રોજેક્ટ હેઠળ વીડિયો કોલીંગ કરીને દર્દીઓ સાથે સંવાદ શરૂ કર્યો છે, જેનો સારો પ્રતિસાદ આણંદ પોલીસને મળ્યો છે.
પોલીસ તેમના મિત્ર બનીને શક્ય હોય તેટલી પરેશાની દૂર કરવાના પ્રયત્નો કરશે
આ બાબતે મળતી વિગતો અનુસાર DGP આશિષ ભાટીયા અને અમદાવાદ રેન્જના IG પી. વી. ચંદ્રશેખરના સીધા માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજીયણે શરૂ કરેલી આ નવતર ઝૂંબેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા અને હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓ સાથે વીડિયો કોલીંગ પર વાતચીત કરવામાં આવે છે. આ દર્દીઓ કોઇ પ્રકારની ગભરામણ ન અનુભવે, કોઇ પ્રકારની પરેશાની ન થાય તે માટે કાઉન્સેલીંગ કરવામાં આવે છે. તેમના દ્વારા અપાતા સુચન, સલાહ અને પરેશાનીઓ બાબતે દર્દીઓ સાથે ચર્ચા કરીને પોલીસ દ્વારા તેમના મિત્ર બનીને શક્ય હોય તેટલી પરેશાની દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવે છે.