આણંદ: ગુજરાતમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી પર આવેલા વણાંકબોરી અને કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. વણાંકબોરી ડેમમાં ડેમની સપાટી 126 ફૂટ છે. જ્યારે હાલમાં પાણીનું સ્તર 118 ફૂટ આસપાસ નોંધાઇ રહ્યું છે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. 2 લાખ ક્યૂસેક પાણી અને બાદમાં 1.5 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.
મેઘ મહેર: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી મહીસાગર નદી બે કાંઠે - મેઘ મહેર
રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 7 દિવસથી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતની નદીઓના જળસ્તરમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેમાં ચરોતરની જીવાદોરી સમાન મહીસાગર નદીમાં પાણીની આવકમાં નોંધનીય વધારો થયો છે.
મહીસાગર નદીમાં છોડવામાં આવેલ 3.5 લાખ ક્યૂસેક પાણીના કારણે આણંદ જિલ્લાના 26 જેટલા ગામમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના કલેક્ટર આર.જી. ગોહિલ દ્વારા નિચાણવાળા ગામોને એલર્ટ પર રાખી તલાટી મામલતદાર અને અન્ય અધિકારીઓને સેન્ટર ન છોડવા સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ નિચાણ વાળા વિસ્તારોમાં જરૂરી સલામતી ના પગલાં લેવા સૂચનો કરવામાં આવ્યા છે.
મહીસાગર નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે નદીએ જાણે લઘુરુદ્ધ રૂપ ધારણ કર્યું છે. પવિત્ર માનવામાં આવતી મહીસાગર નદી કિનારે પાણી ફરી વળતા ધાર્મિક વિધિ માટે આવતા નાગરિકોને રસ્તા પર બેસી વિધિ કરવા મજબૂર બનવું પડ્યું હતું. આગામી દિવસોમાં જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય છે, તો આણંદ જિલ્લામાં મહીસાગર કિનારે આવેલા વિસ્તારો પાણીમાં ગરકાવ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યાં છે.