- બોરસદમાં પતંગની દોરીએ સાત વર્ષનાં બાળકનો ભોગ લીધો
- આણંદ વિદ્યાનગર રોડ પર યુવકનું ગળું કપાયું
- યુવકને તાત્કાલિક સારવાર મળતાં જીવ બચ્યો
આણંદ : ઉતરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લામાં એક જ દિવસે પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયાની બે ઘટનાઓ બનવા પામી છે. જેમાં બોરસદ ખાતે બનેલી દુર્ઘટનામાં દોરીના કારણે એક બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે આણંદમાં એક યુવાનને પતંગની દોરીથી ગળે ગંભીર ઈજાઓ થવાની ઘટના બની છે.
બોરસદમાં પતંગની દોરીના કારણે 6 વર્ષના બાળકનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ શહેરના ફતેપુર વિસ્તારમાં રહેતો મુરસલીન મીરઝા પોતાના છ વર્ષના પુત્ર સહદને બાઈક પર બેસાડીને સુર્યમંદિર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એકાએક બાળકના ગળામાં પતંગની દોરી ભરાઈ જવા પામી હતી. જેને લઈને ગળુ કપાઈ જતાં લોહી નીકળવા માંડ્યું હતુ. જેને તાત્કાલીક શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાલત ગંભીર હોવાથી બાળકને બીજી હોસ્પિટલમાં લઈ જવાનું જણાવ્યું હતુ. પરિવારજનોએ 108 મોબાઈલને જાણ કરવા છતાં પણ અડધા કલાક સુધી એમ્બ્યુલન્સ આવી નહોતી. જેને લઈને સહદનું તરફડીને મોત થયું હતુ. બનાવને લઈને હોસ્પિટલ ખાતે પરિવારજનો અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુક્યું હતુ. આ અંગે બોરસદ શહેર પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે.