હવે અમૂલનો લોગો, તા.૩૦ મે થી ૧૪ જુલાઇ ૨૦૧૯ દરમિયાન ચાલનારા વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમની પ્લેઈંગ જર્સીની બાંયો પર તથા ટ્રેઈનીંગ કીટ્સ ઉપર પણ જોવા મળશે.
અમુલનો લોગો અફ્ઘાનિસ્તાનની ટીમના ખભે ચમકશે જીસીએમએમએફના મેનેજીંગ ડિરેક્ટર ડૉ. આર. એસ. સોઢીએ જણાવ્યું કે, “ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપથી વિકાસ પામતી અફ્ઘાનિસ્તાનની ટીમ સાથે અમૂલ સૌ પ્રથમવાર જોડાઇ છે તે બદલ અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને આશા વ્યક્ત કરીએ છીએ કે આ ટીમ વર્લ્ડ કપમાં અદ્દભૂત દેખાવ કરશે.”
“અમૂલ અને અફ્ઘાનિસ્તાન જૂના સંબંધો ધરાવે છે. સરહદના ગાંધી તરીકે જાણીતા અબ્દુલ ગફારખાને ૧૯૬૯માં અમૂલની મુલાકાત લીધી હતી અને તેઓ ડૉ. વર્ગીસ કુરિયનને મળ્યા હતા તેમજ સહકારી સંસ્થા અમૂલની વિવિધ પ્રવૃત્તિઓ અંગેનો અભ્યાસ કર્યો હતો.”
અફ્ઘાનિસ્તાનના ઘણાં મહિલા દૂધ ઉત્પાદકોના પ્રતિનિધીઓએ અમૂલની મુલાકાત લીધી હતી. અમૂલ, ગ્રામ ઉત્કર્ષ અને મહિલા સશક્તિકરણનું મજબૂત મોડેલ છે, જેની અફઘાનિસ્તાનના લોકોને નોંધ લીધી છે. અમૂલ તેના દૂધના પાવડર અને બેબી ફૂડની અફ્ઘાનિસ્તાનમાં છેલ્લા બે દાયકાથી નિકાસ પણ કરે છે.
અફ્ઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ અસદુલ્લા ખાને જણાવ્યું કે, “અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે આ ઘણી મોટી ક્ષણ છે અને અમને ઘણો આનંદ થાય છે કે અમૂલ અમને વિશ્વ કપ માટે સ્પોન્સર કરશે. અમે સૌ પ્રથમ વખત વર્લ્ડ કપમાં સંપૂર્ણ સભ્ય તરીકે રમી રહ્યા છીએ અને તૈયારી ઘણી સારી છે અને અમે સારો દેખાવ કરવાની આશા રાખીએ છીએ.”
અફ્ઘાનિસ્તાનની ટીમની વર્લ્ડ કપની મેચો ટાઇમ ટેબલ પ્રમાણે તા.૧ જૂને ઓસ્ટ્રેલીયા સામે, ૪ જૂને શ્રીલંકા સામે, ૮ જૂને ન્યુઝીલેન્ડ સામે, ૧૫ જૂને સાઉથ આફ્રિકા સામે, ૧૮ જૂને ઇંગ્લેન્ડ સામે, ૨૨ જૂને ઇન્ડીયા સામે, ૨૪ જૂને બંગ્લાદેશ સામે, ૨૯ જૂને પાકિસ્તાન સામે અને ૪ જૂલાઇ વેસ્ટઇન્ડીઝ સામે રમાનારી છે. ટોચની ચાર ટીમો સેમી ફાઇનલમાં જશે. તમામ મેચોનું ભારતમાં અને વિશ્વના તમામ દેશોમાં લાઈવ પ્રસારણ થશે.