આણંદ : વૈશ્વિક મહામારી કોરોનાની પરિસ્થિતિમાં આર્થિક મદદ માટે સરકાર દ્વારા દેશના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. અપીલના પગલે મહત્તમ લોકો રાહત ફંડમાં યથાશક્તિ સહાય કરી રહ્યા છે. આવા સંજોગોમાં બોરસદ તાલુકાના વતની વિજયસિંહ રાજ દ્વારા ખૂબ સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે. તેમના દ્વારા મુખ્યપ્રધાન રાહત ફંડમાં જન્મદિવસ નિમિત્તે પોતાના એક માસનો સંપૂર્ણ પગાર 61 હજાર જેટલી રકમ સમર્પિત કરી દેવામાં આવી છે.
નિસરાયા ગામના શિક્ષક સરપંચે એક માસનો પગાર રાહતનિધિમાં સમર્પિત કર્યો
ગુજરાત સરકારના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ટેલિફોનિક સંદેશ આપી નિસરાયા ગામના સરપંચ અને વ્યવસાયે શિક્ષક એવા વિજયસિંહ રાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે "જય માતાજી 'હું મારા જન્મ દિવસ અંતર્ગત મારો શિક્ષક તરીકેનો એક માસનો સંપૂર્ણ પગાર કોરોના મહામારીમાં ગુજરાત સરકારના રાહત ફંડમાં જમા કરાવવાની ઈચ્છા વ્યક્ત કરું છું"
વડોદરા જિલ્લાના અનગઢ ગામની ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શાળામાં શિક્ષક તરીકે સરકારી કર્મચારી તરીકે ફરજ નિભાવે છે. વિજયરાજ દ્વારા મૂળ વતન મિશ્રા ગામ છે અને તે જ ગામના સરપંચ પણ છે. સરપંચ તરીકે અનેક વિકાસશીલ ભૂમિકાઓમાં ગામના વિકાસના કાર્યો તેમણે કર્યા છે. ત્યારે એક ગામના આગેવાન તરીકે સમાજના માર્ગદર્શક એવા વિજયભાઈ તેમના એક માસનો પગાર રાહત ફંડમાં જમા કરાવી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વિજયભાઈ દ્વારા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ પોતાના નિર્ણય મુજબ રાહત માટે 61,235 રૂપિયાનો ચેક આણંદ કલેકટર આર.જી.ગોહિલ ને રૂબરૂ મળીને આપવામાં આવ્યો હતો. આણંદ જિલ્લા કલેકટર આર.જી ગોહિલ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિ માટે દાનની રકમ સ્વીકાર્યા બાદ તેમને જન્મદિવસના અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજયભાઈ દ્વારા લેવામાં આવેલ સરાહનીય નિર્ણયને તેમણે બિરદાવ્યો હતો.