આણંદ : સિવિલ હૉસ્પિટલના ડૉકટર સહિતના સ્ટાફે અન્ય શંકાસ્પદ દર્દીઓના મેડિકલ રિપોર્ટ માટેની કાર્યવાહી હાથ ધરી ત્યારે ડૉકટર તરીકેની ઓળખ આપનાર શંકાસ્પદ દર્દી પોતાની બેગ લઇને, મોબાઇલ પર વાત કરતો કરતો પલાયન થઇ ગયો હતો. ગંભીર વાત એ છે કે, સિવિલમાં લવાતા શંકાસ્પદોને અહીંના રજિસ્ટરમાં નોંધ કરાય છે. પરંતુ સિવિલના મુખ્ય દરવાજેથી બહાર જનારને અટકાવવવાની કે તેઓની પાસે બહાર જવાની મંજૂરીની તપાસ કરતી કોઇ વ્યવસ્થા જ ગોઠવવામાં આવી નથી.
આણંદ પાલિકાની હૉસ્પિટલમાંથી કોરોનાનો શંકાસ્પદ દર્દી પલાયન ! - anand corona update
આણંદના પાધરિયા વિસ્તારમાંથી એક દર્દીનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યો હતો. જેથી હરકતમાં આવેલા આરોગ્ય તંત્રએ પાધરિયા વિસ્તાર સહિત દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોની મેડિકલ તપાસ હાથ ધરી હતી. જેમાં શંકાસ્પદોને આણંદની પાલિકા હૉસ્પિટલ (સિવિલ હોસ્પિટલ)માં આઇસોલેટ કરીને રિપોર્ટ કરાવવા સહિતની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જે શંકાસ્પદ વ્યકિતનો ટેસ્ટ કરવાનો હોય તેનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી 24 કલાક અંદરના દર્દી તરીકે દાખલ રહેવું પડે છે. ઉપરાંત કોઇ વ્યકિતનો નેગેટીવ રિપોર્ટ આવે તો તેને ઘરે જવાની સૂચના આપવામાં આવે છે. પરંતુ તે વ્યકિત હૉસ્પિટલમાં દાખલ થયાથી માંડીને રજા મેળવે છે તેનો કોઇ રિપોર્ટ કે લેખિત ડોકયુમેન્ટ તે વ્યકિતને આપવામાં આવતું જ નથી. નસીબજોગે શહેરમાં કોરોના સંક્રમિત કેસો બન્યા નથી. પરંતુ સાવચેતીના પગલારુપે આણંદની સિવિલ સહિતની હૉસ્પિટલોને આઇસોલેટ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આજરોજ પૉઝિટિવ કેસના સંપર્કમાં આવેલ ચાર વ્યકિતઓની ચકાસણી કરવા માટે લાવવામાં આવ્યા હતા. પરંતુ એક શંકાસ્પદ દર્દી કોઇને કશું જણાવ્યા વગર સિવિલમાંથી પલાયન થઇ ગયો હતો. જયારે અન્ય ત્રણને રિપોર્ટ ન આવે ત્યાં સુધી દાખલ કરાયા હતા. આ ગંભીર ઘટના અંગે સિવિલ હૉસ્પિટલ સહિત આરોગ્ય વિભાગ કોઇ ચોખવટ કરવા તૈયાર નથી. પરંતુ આ ઘટનાને નરી આંખે નિહાળનાર અન્ય દર્દીઓ અને હૉસ્પિટલના સ્ટાફમાં ભારે ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે, મહામારીના વર્તમાન સમયમાં શંકાસ્પદ દર્દીઓને આણંદની સિવિલમાં લાવવામાં આવે ત્યારે તેઓને રજા આપ્યા બાદ જરુરી મંજૂરી પત્ર આપીને જ હૉસ્પિટલની બહાર જવા દેવામાં આવે તેવી નકકર વ્યવસ્થા ગોઠવવી જરૂરી બન્યું છે.
પોતાને ડૉકટર તરીકે ઓળખાવતો એક શંકાસ્પદ કથિત રીતે કોરોના પૉઝિટિવ મુખત્યાર પઠાણના સંપર્કમાં આવ્યાનું, તેઓની અગાઉ સારવાર કરી હશેનું ચર્ચાઇ રહ્યું છે. જો કે આ શંકાસ્પદ આઇસોલેટ વોર્ડમાં સતત જગ્યાઓ બદલી રહ્યો હતો. દરમ્યાન જયારે દર્દીઓના ટેસ્ટ લેવાની શરુઆત થઇ ત્યારે આ શંકાસ્પદ વધુ પડતો આઘોપાછો થતો હતો. આથી ફરજ પરના તબીબે રિપોર્ટ નહીં કરાવો તો પોલીસને કહેવું પડશેની સૂચના પણ આપી હતી. દરમ્યાન આ શંકાસ્પદ મોબાઇલ પર વાત કરતો કરતો હોસ્પિટલમાંથી રફુચકકર થઇ ગયાની ચર્ચાઓએ જોર પકડયું છે. જો કે સિવિલના ડૉકટરો આવી કોઇ વાત ન હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ સમગ્ર મામલાને નજરે જોનાર વ્યકિત જણાવી રહ્યા છે કે, બકબક કરતો તે દર્દી રિપોર્ટ કરાવ્યા વિના જ પલાયન થઇ ગયો હતો.