આણંદઃ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સોમવારથી અનુસ્નાતક વિભાગની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે 297 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સવારે 9:00 કલાકે યુનિવર્સિટીના જ્ઞાનોદય ભવન ખાતે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યા દરેક વિદ્યાર્થીનું થર્મલ ગન દ્વારા ટેસ્ટિંગ કરી ટેમ્પરેચરનું માપન કરી પલ્સ રેટ ચેક કરી વિદ્યાર્થીઓને ટાઈપ કર્યા બાદ પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
યુનિવર્સિટી બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો 10થી 12 કલાક દરમિયાન વિદ્યાર્થીઓએ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી હતી. સંસ્કૃત, પોલિટિકલ સાયન્સ, ઇતિહાસ વગેરે વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની તકલીફ પડે નહીં તે માટે કુલપતિ, રજિસ્ટ્રાર, પરીક્ષા વિભાગના ઇન્ચાર્જ સહિત યુનિવર્સિટીના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
બીજી તરફ સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહીત દ્વારા યુનિવર્સિટીના પ્રવેશ દ્વાર પાસે હોબાળો મચાવી આ પરીક્ષાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અલ્પેશ પુરોહીત અને તેમના સમર્થકોની માંગ છે કે, યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીની ગંભીરતા સમજી વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવો જોઈએ, વિદ્યાર્થી ભારતનું ભવિષ્ય છે. યુનિવર્સિટી માટેની ટેસ્ટિંગ કીટ નથી કે, જે વિદ્યાર્થીઓ પર યુનિવર્સિટી પરીક્ષા લઈને ટેસ્ટ કરી શકે.
અલ્પેશ પુરોહિતના વિરોધના મુદ્દા
- યુનિવર્સિટી કોરોના મહામારીની ગંભીરતા સમજતી નથી
- વિદ્યાર્થીઓ યુનિવર્સિટી માટેની ટેસ્ટિંગ કીટ નથી
- વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા
- વિદ્યાર્થીમાં કોરોના ફેલાય તો કુલપતિ વિરુદ્ધ ફરિયાદ
સરદાર પટેલ યુનિવર્સિટીમાં 297 અનુસ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
અલ્પેશે જણાવ્યું હતું કે, જો આગામી દિવસોમાં આ વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ થાય તો તેના માટે કુલપતિને જવાબદાર ગણવામાં આવશે, તેમજ કુલપતિ વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાની પણ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
અલ્પેશ પુરોહીત દ્વારા યુનિવર્સિટીના પ્રવેશ દ્વાર પાસે હોબાળો વિદ્યાનગર પોલીસને અલ્પેશ પુરોહિતની અટકાયત કરવા ફરજ પડી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થઇ યુનિવર્સિટી બહાર સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા તેમની પણ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.