- SPU SSIP Navadhara નું ઓનલાઈન ઉદ્ઘાટન
- ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઇ-ઉદ્ઘાટન કર્યું
- 1956માં સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી
- કુલ 2.5 કરોડનું ભંડોળ સ્ટુડન્ટસ સ્ટાર્ટઅપ માટે એકઠું થયું
આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) સેન્ટરનું ઓનલાઈન ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાત રાજ્યના ઉચ્ચશિક્ષણના અગ્ર સચિવ અંજુ શર્મા અતિથી વિશેષ તરીકે, વિશિષ્ટ મેહમાન તરીકે ઉચ્ચ શિક્ષણના ડાયરેક્ટર એમ.નાગરાજન તથા આમંત્રિત મેહમાન તરીકે સંયુક્ત કમિશ્નર નારાયણ મધુ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતનાં પ્રથમ નાયબ વડાપ્રધાન અને ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઇ ઝવેરભાઈ પટેલનાં નામ સાથે સંકળાયેલી સરદાર પટેલ યુનિવર્સિટી ચરોતર પ્રદેશની આર્થિક-સામાજિક ઉન્નતિ માટે હંમેશા કાર્યરત છે. 1956માં સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી જ યુનિવર્સિટી શહેરી અને ગ્રામીણ પ્રજાજનોને શિક્ષણ આપી રહી છે.
ગુજરાત સરકારે 2017થી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસીનો આરંભ કર્યો છે. આ પોલિસીનો ઉદ્દેશ ગુજરાતનાં વિદ્યાર્થીઓને પાયાના સંશોધન અધ્યયનની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતાનો અવસર પૂરો પાડવાનો છે. ગુજરાતનાં યુવાનો પાસે નવા નવા આઈડિયાઝ છે, સામર્થ્ય પણ છે, ઉદ્યોગ સાહસિકતા પણ છે , પરંતુ આર્થિક સહાય અને ઉદ્યોગ સ્થાપન માટેનાં માર્ગ દર્શનનો અભાવ છે. આ નીતિનો હેતુ યુવાનોને એમના અભ્યાસ દરમ્યાન તેમજ એ પછીનાં વર્ષો સુધી ઉદ્યોગ સ્થાપનાને લગતો આર્થિક સહયોગ અને માર્ગદર્શન પુરો પાડવાનો છે. આના પરિણામે યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાનો પુરેપુરો વિકાસ થાય એવુ અપેક્ષિત છે
બે કરોડ રૂપિયા સરદાર પટેલ યુનિવર્સિટીને ફાળવવામાં આવ્યા
ગુજરાત સરકાર દ્વારા SSIP અંતર્ગત બે કરોડ રૂપિયા સરદાર પટેલ યુનિવર્સિટીને ફાળવવામાં આવ્યા છે. યુનિવર્સિટી પોતે આ SSIP પ્રોગ્રામને સહાયભૂત થવા માટે પોતાના તરફથી 50 લાખ રૂપિયા ઉમેરી રહી છે. આમ, આવનારા પાંચ વર્ષોમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલ 2.5 કરોડ રૂપિયા SSIP પ્રવૃતિ માટે ઉપલબ્ધ થયા છે. યુનિવર્સિટીએ આ કાર્યક્રમનું નામકરણ SPU SSIP Navadhara રાખ્યું છે. આ રીતે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે SSIP પ્રવૃતિની નવી ધારા વહેવાની છે.