આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આઝાદી પહેલા લોકમાન્ય તિલક દ્વારા ચાલુ કરવામાં આવેલ ગણેશ ઉત્સવ આજે સમગ્ર દેશમાં એક આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે. પેટલાદ નગરપાલિકા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ રાજ્યમાં એક રોલ મોડલ બનીને ઉભરી આવ્યું છે.
પેટલાદ નગરપાલિકાની અનોખી પહેલ, માટીની ઈકોફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરવા અનુરોધ - ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના
આણંદ: શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના યુવક મંડળના સહયોગથી કરવામાં આવે છે. હાલ બજારમાં વિવિધ કલાત્મક ગણપતિજીની મૂર્તિઓની માંગ ખૂબ જ વધવા પામી છે. જેમાં ઘણી મૂર્તિઓ બનાવવા પાછળ ઉપયોગમાં આવતું રો મટીરીયલ ક્યાંકને ક્યાંક પર્યાવરણ અને જળ સૃષ્ટિ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થતું હોય છે. આ સમસ્યાના નિરાકરણ લાવવા માટે આણંદ જિલ્લાના પેટલાદ નગરપાલિકા દ્વારા એક મુહિમ ચાલુ કરવામાં આવી છે.
ત્યારે પેટલાદ નગરપાલિકા દ્વારા પાલિકાની હદ વિસ્તારમાં આવતા તમામ યુવક મંડળો અને શહેરના જળાશયો અને પાણીના અમૂલ્ય સ્ત્રોતને કેમિકલયુક્ત POPની મૂર્તિઓથી દૂષિત ન કરવા અપીલ કરવામાં આવી હતી. POPના બદલે ઇકો-ફ્રેન્ડલી માટીની કલાત્મક મૂર્તિઓની સ્થાપના કરવા માટે યુવક મંડળને પ્રેરણા આપવામાં આવી હતી. પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા સમગ્ર શહેરમાં ફરી અને આયોજકો તથા સ્થાનિક આગેવાનોને ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
અંદાજિત છ માસ પહેલાથી જ પાલિકા દ્વારા શહેરમાં સ્થાપના કરવામાં આવનાર મૂર્તિઓને ઇકોફ્રેન્ડલી કન્ડિશનમાં લાવવામાં આવે તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં પ્રકૃતિના રક્ષણ માટે નાગરિકો દ્વારા પણ નગરપાલિકાના આ કાર્યને સહકાર આપવામાં આવી રહ્યો છે. પેટલાદ નગરપાલિકા દ્વારા આરંભવામાં આવેલ પ્રકૃતિ રક્ષણ અને જળ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવાની આ ઉત્કૃષ્ટ અને સરાહનીય મુહિમ સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણ પૂરું પાડી રહી છે.