આણંદ: ખંભાતમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. ત્યારે 25 એપ્રિલના એક 63 વર્ષીય વ્યક્તિ શાંતિલાલ રાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે કરમસદમાં આવેલ શ્રી કૃષ્ણા મેડિકલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ મળેલી સારવારના કારણે તેમનો બીજો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ કોરોના સાથે તેમને પહેલેથી હાઇપર ટેન્શન અને અન્ય બીમારી હોવાના કારણે તેમનું નિધન થયું હોવાનું આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આણંદમાં કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિમાં હોબાળો, પથ્થરમારામાં બે પોલીસ જવાનો અને પત્રકારો ઘવાયા - latest corona updates of gujarat
આણંદના વિદ્યાનગર ખાતે આવેલ હરિઓમનગર સ્મશાનગૃહમાં 2 દિવસ પહેલા મરણ પામેલા કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમ વિધિ કરવા જતાં કર્મચારીઓને અટકાવી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ તેમજ વહીવટીતંત્ર ઘ્વારા સ્થાનિકોને સમજાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક વિફરેલા ટોળાએ પોલીસ તેમજ વહીવટી તંત્ર અને પત્રકારો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં બે પોલીસ જવાનોને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.
![આણંદમાં કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિમાં હોબાળો, પથ્થરમારામાં બે પોલીસ જવાનો અને પત્રકારો ઘવાયા આણંદમાં કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિમાં હોબાળો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7081440-856-7081440-1588749127941.jpg)
શાંતિલાલ રાણાનો પરિવાર ક્વોરેન્ટાઇન હોવાના કારણે મૃતદેહ લેવા આવી શક્યો ન હતો. જેથી કલેકટર દ્વારા ખંભાતના મામલતદારને મૃતદેહની અંતિમવિધિ કરવા જણાવવામાં આવ્યું હતું. આથી ખંભાત નગરપાલિકાના ચીફ ઓફિસર કર્મચારીઓ સાથે કરમસદ મેડિકલ ખાતે પહોંચી મૃતદેહની અંતિમવિધિ માટે હરિઓમ નગરના સ્મશાનગૃહમાં લાવ્યા હતા. જોકે સ્થાનિકો પીપીઈ કિટમાં આવેલા લોકોને જોઈ ગભરાયા હતા અને અંતિમવિધિ માટે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ ખંભાત નગરપાલિકાના સ્ટાફ પર હુમલો કરી તેમને ઇજાઓ પહોંચાડવામાં આવી હતી ઘટનાની ગંભીરતા સમજી ડીવાયએસપી, આણંદ પ્રાંત અધિકારી, અને વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકોને સમજાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.