આણંદ : 28 વર્ષથી પોતાની ગાયકીની કળાથી અનેક કાર્યક્રમમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા નિલેશ રાજા અત્યારે કોરોના કહેર વચ્ચે આજીવિકા મેળવવા રીક્ષા ચલાવી રહ્યો છે. 30,000 જેટલા ગીતો જેને કંઠસ્થ છે અને 2500 કરતા વધુ શો કરી ચૂકેલા નિલેશ રાજાનું જીવન હવે તેમના નવા વ્યવસાય રીક્ષા ચાલક તરીકે કામ કરવા મજબૂર બન્યું છે.
પોતાના પ્રિય ગાયકો કિશોરકુમાર અને એસ.પી.બાલાસુબ્રમણ્યમના અવાજમાં ચાહકોને ગીત સંભળાવી દિવસના હજારો મેળવતો આ કલાકાર આજે એક મહિનાથી રીક્ષા ચલાવી ખૂબ ઓછી આવક મેળવી રહ્યો છે. ત્યારે કોરોનાએ તેના જીવનમાં કાળો કેર વર્તાવી મૂક્યો છે. સંઘર્ષ સાથે જીવન વિતાવતા કલાકારના પરિવારમાં તેનાં પત્ની અને બે બાળકો પણ છે. ત્યારે મહામારીમાં રોજીરોટી ગુમાવનાર નિલેશ રાજાને તેમના પત્ની આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે હિંમત આપે છે.
કોરોનાની અસર: ગાયક કલાકાર રીક્ષા ચલાવવા બન્યો મજબૂર સામાન્ય રીતે નિલેશ રાજાને લગ્નની સીઝનના સમયના દિવસોમાં ખૂબ સારા પ્રમાણમાં આવક થતી હોય છે. ત્યારે કોરોનાની મહામારીના કારણે પ્રસંગોની ઉજવણી બંધ થઈ છે. જેના કારણે નિલેશ રાજા જેવા કલાકારને આવક માટે કોઈ અન્ય વિકલ્પ ન રહેતા અંતે નિલેશ દ્વારા રીક્ષા ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કલાકાર ખૂબ જ હિંમત અને આત્મવિશ્વાસ સાથે પરિવારનું ભરણપોષણ કરવા આ વ્યવસાયને સ્વીકારી પારિવારિક જવાબદારીઓ નિભાવી રહ્યો છે.
એક સમયે સ્ટેજ પર સંગીતના સૂર થકી દર્શકોને અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેનાર કલાકારની આ મહામારી બાદ રિક્ષા ચલાવવાની મજબૂરીની સફરમાં નિલેશ રાજાની પત્ની પણ તેમને હિંમત આપી રહ્યી છે. આ સાથે વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા અને રિક્ષામાંથી થતી નજીવી આવક પર ઘર ચલાવી નિલેશને મનોબળ પૂરું પાડી રહી છે. કોરોનાની મહામારીમાં પોતાની રોજિંદા આવક બંધ થતાં મહેનતના વિકલ્પને સ્વીકારી રિક્ષા ચલાવનારા સંગીત કલાકારનું જીવન સમાજ માટે પણ એક ઉત્તમ ઉદાહરણ સમાન બન્યું છે.