આણંદ : વર્તમાન સમયમાં માનવીય જીવન અનેક પ્રકારની સમસ્યાઓ અને પડકારો વચ્ચે પસાર થઈ રહ્યું છે. તેવામાં મોટી મહામારી કોરોના સંક્રમણની લોકોના જીવન પર અસર પાડી છે. ત્યારે આજના યુવા વર્ગને શારીરિક ફિટનેસનું ધ્યાન રાખવું અતિ મહત્વપૂર્ણ બની જાય છે. આજે જીવનમાં તરતા આવડવું, વાહન ચલાવતા આવડવું, આ સાથે ઘોડેસવારી કરવી આ બધું પણ ઉપયોગી બની રહે છે. જે સારી તંદુરસ્તી માટે પણ અતિ આવશ્યક છે. ત્યારે આણંદ પોલીસવડાનો એક નિર્ણય જિલ્લાના યુવા વર્ગ માટે ઉત્સાહ પ્રેરક બની રહ્યો છે.
આણંદ શહેરમાં ત્રણ વર્ષથી બંધ સરદાર પટેલ ઘોડે સવારી ક્લબ આણંદ પોલીસ દ્વારા પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. શહેરીજનો માટે શરૂ કરવામાં આવેલું આ ક્લબ પોલીસ અને પ્રજા વચ્ચે આત્મીયતા કેળવાય તેને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના ડીજીપીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા અને તેઓની અશ્વદળ દ્વારા આણંદ જિલ્લાના યુવા વર્ગને ઘોડે સવારીની તાલીમ આપવાના નિર્ણયના પગલે યુવાવર્ગમાં ઉત્સાહ વધ્યો છે, અને યુવાનોએ આ ક્લબમાં તાલીમ લેવાનું શરૂ કર્યું છે.
અશ્વ રસિકો માટે સરદાર પટેલ ઘોડે સવારી ક્લબ પુનઃ ધબકતી થઈ આણંદ પોલીસ દ્વારા શહેરીજનોને ઘોડે સવારી શીખવાડવા માટે હોર્સ રાઇડિંગની શરૂઆત કરવામાં આવી છે. ઘોડા પર સવારી કરવા માગતા રસિયાઓ માટે જિલ્લા પોલીસના અશ્વદળ વિભાગ દ્વારા શહેરીજનો માટે ખાસ સરદાર પટેલ હોર્સ રાઈડિંગ ક્લબ થકી ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ ઘોડેસવારીની તાલીમ લેતા યુવક યુવતીઓ અને અન્ય નાગરિકોને ઘોડાની સવારી બાદ અનોખો રોમાંચ અને આનંદ સાથે સાથે શારીરિક ફિટનેસ પણ મેળવી રહ્યા છે. જ્યારે માત્ર 13 વર્ષની તાલીમાર્થી ધ્રુવા કાશીકરે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આણંદ માઉન્ટેડ પોલીસ દ્વારા આપવામાં આવતી ઘોડે સવારીની તાલીમ બાદ હવે તેને ઘોડા પ્રત્યેનો ડર રહ્યો નથી, આ સાથે જ તેના ઘરે પદ્મિની નામનો અશ્વ છે, તે હવે સરળતાથી તેના પર સવાર થઈ શકશે તેવો આત્મવિશ્વાસ કેળવવામાં આ ક્લબ થકી તેને સફળતા મળી છે. અન્ય તાલીમાર્થી મનિષાબેન મુલતાની જણાવ્યું હતું કે, પહેલાં તેમણે ઘોડે સવારી કરતા ઘણો ડર લાગતો હતો. પરંતુ તે ઘોડે સવારી કરવાનો શોખ ધરાવતી હોવાથી આ ક્લબમાં દાખલ થયા પછી તેમને અશ્વની ચાલ અને તેને ચલાવવાની કળા વિશે વિસ્તૃત માર્ગદર્શન મળ્યું છે, જેના થકી હવે તે સરળતાથી ઘોડે સવારી કરી શકે છે.
ઘોડે સવારી ક્લબ દ્વારા તાલીમ મેળવ્યા બાદ કેટલાક યુવાનો હવે રોજગારી પણ મેળવી રહ્યા છે. તેવા જ એક યુવાન વૃષાગ હવે બીજા કેટલાંક નાગરિકોને પણ ઘોડેસવારીની તાલીમ આપી આજીવિકા મેળવવામાં સફળ નીવડ્યા છે. વૃષાગે ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, તે છેલ્લાં 6 વર્ષથી આ ક્લબ સાથે સંકળાયેલો છે અને ક્લબ થકી તેણે મેળવેલી તાલીમ હવે તેને આજીવિકા મેળવવામાં ઉપયોગ કરી રહ્યું છે. સરદાર પટેલ રાઇટીંગ ક્લબમાં નજીવી ફી વસૂલી ઘોડે સવારીની તાલીમ આપવામાં આવે છે. ત્યારે આ જ ક્લબમાંથી તાલીમ મેળવી હવે આ નવયુવાન વૃષાગ અન્ય અશ્વને ટ્રેનિંગ આપી માસિક 15,000 રૂપિયા જેટલી કોચીંગ ફી મેળવી રહ્યો છે.
ત્યારે આણંદ જિલ્લા પોલીસે આ ક્લબ ચલાવવા પાછળનો તેમનો હેતુ જણાવતાં કહ્યું હતું કે, અહીં 13 વર્ષથી લઈ 60 વર્ષ સુધીના કુલ 45 જેટલા નાના-મોટા તાલીમાર્થીઓ બે અલગ અલગ સિફટમાં ઘોડેસવારીની તાલીમ લઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકોને ઘોડે સવારી શીખવાડવું અને સાથે જ નવયુવાનોમાં ઘોડા જેવા પ્રાણીઓ માટેની લાગણી જીવંત રાખવી તેમનો આ મુખ્ય ઉદ્દેશ્ય છે. મહત્વનું છે કે, આણંદ પોલીસ દ્વારા ખૂબ નજીવી ફીમાં ઘોડેસવારીને તાલીમ કાળજીપૂર્વક રીતે આપવામાં આવી રહી છે. જે થકી આણંદના નવયુવાનો ઘોડા અને તેની સવારી કરવાની કળાની તાલીમ મેળવી રહ્યા છે. આ માઉન્ટેન કચેરી ખાતે કુલ 28 અશ્વો છે, જેમાંથી 14 જેટલા અશ્વને આ ક્લબમાં તાલીમ માટે રાખવામાં આવ્યા છે.