આણંદ: રાજય સરકાર દ્વારા જિલ્લા પંચાયત કચેરીમાં વર્ગ 1 અને વર્ગ 2ના કર્મચારીઓની કચેરી તથા તેમને મળતા સરકારી સાધનમાંથી એર કન્ડિશનર દૂર કરવા અંગેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં 31 જાન્યુઆરી સુધી આ પરિપત્ર પર અમલ કરવાનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. જે અંગે કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીને સત્તા આપવામાં આવી હતી. જે અંગે આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે etv bharat દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો ચોંકાવનારી માહિતી સામે આવી છે.
આણંદમાં AC દૂર કરવાના પરિપત્રના અમલ પર ETV ભારતનો રિયાલિટી ચેક સમગ્ર મામલાનું રિયાલિટી ચેક કરતા આણંદ જિલ્લા પંચાયતની કચેરી ખાતે અધિકારીઓ તેમ જ અન્ય સહાયક સ્ટાફની ચેમ્બરોમાં એર કન્ડિશનર જૈસે થેની પરિસ્થિતિમાં જોવા મળ્યાં હતાં. સરકારી પરિપત્ર હોવા છતાં પગલાં ભરવામાં ઉદાસીનતા દાખવવામાં આવતી હોવા અંગે જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખનેને પૂછવામાં આવ્યું તો પ્રમુખ દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યાં હતા.
આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહીડાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા એ.સી.નો પરિપત્ર સીધો જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવ્યો છે અને આ પરિપત્ર ડી ડી ઓ સુધી સમિતિ છે. સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે કોઈ વિચાર વિમર્શ કરતી નથી અને પ્રમુખને કોઈ જ સીધો પરિપત્ર આપતી નથી અને સરકાર અધિકારી દ્વારા સીધો વહીવટ ચલાવે છે. સરકારે ખરેખર ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછવું જોઈએ કે, સાચે ક્યાં કામ કરવાની જરૂર છે. સરકાર પરિપત્ર કરે તો સીધો પ્રમુખને કરવો જોઈએ કે આટલા નીતિ નિયમો છે અને તેનું પાલન કચેરીઓમાં કરાવવાનું છે. વધુમાં સરકાર પર સીધો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકારે ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે, જિલ્લાપંચાયતના પ્રમુખનું વજન રહેવા દીધું નથી અને અધિકારી રાજ ચાલુ કરી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે જે દિશામાં નિર્ણય લેવા જોઈએ તે દિશામાં નિર્ણય લઇ રહી નથી અને એર કન્ડિશનર બાબતે પરિપત્ર બહાર પાડી આર્થિક વિકાસ થતો અટકાવવાની વાતો કરે છે. ત્યારે સરકારે ખરેખર આ બાબતે વિચારવું જોઈએ અને પોતાનું અંગત મંતવ્ય આપતાં જણાવ્યું હતું કે, એર કન્ડિશનના ઉપયોગથી કર્મચારીઓની કાર્યશક્તિમાં વધારો થાય છે. જેનાથી તેઓ વધુ ઝડપી અને સારું કામ કરી શકવા સક્ષમ બને છે. વધુમાં તેમણે સરકારને ટકોર કરી હતી કે, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગરિમા જળવાઈ રહે અને સરકાર સીધો પરિપત્ર જિલ્લા પંચાયતના પ્રમુખને કરે તો વધુ સારી રીતે કામગીરી થઈ શકવાની તેમણે રજૂઆત કરી હતી.
સમગ્ર ઘટના અંગે જ્યારે જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો અધિકારીના પીએ દ્વારા સાહેબ વ્યસ્ત હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા વ્યસ્તતાને કારણે તે ફોન પણ ઉપાડી શક્યાં નહોતાં. હવે જોવું રહ્યું કે, આણંદ જિલ્લાના વ્યસ્ત જિલ્લા વિકાસ અધિકારીને સરકારી પરિપત્રનો અમલ કારવાનો ક્યારે સમય મળે છે.