આણંદ જિલ્લો ચરોતરની શાન ગણવામાં આવે છે કે, આ પ્રદેશ સુવર્ણ પર્ણનો પ્રદેશ છે. જ્યાં સુખ અને સમૃદ્ધિ જીવનની એક વિભિન્ન ભાગ સમાન ગણવામાં આવે છે. પરંતુ આણંદ જિલ્લો ખેડા જિલ્લામાંથી અલગ થયો તેને 22 વર્ષનો સમય વીતી ગયો છે. પરંતુ 22 વર્ષ બાદ પણ આણંદ જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ ઉભી કરવામાં તંત્ર અને સરકાર બંને નિષ્ફળ નીવડી રહી હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં આજે પણ સુસજ્જ અને આધુનિક સુવિધાથી સજ્જ સરકારી સિવિલ હોસ્પિટલથી પ્રજા વંચિત છે, ત્યારે તંત્ર દ્વારા આમ તો કહેવા માટે પેટલાદની એસ એસ હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે જિલ્લામાં સિવિલ હોસ્પિટલનું કામ સંભાળી રહી છે.
આવી સમસ્યાઓ વચ્ચે પ્રજાને ન છૂટકે પ્રાઇવેટ દવાખાનાના શરણે જવા મજબૂર થવું પડે છે. જ્યાં સરકાર દ્વારા પ્રજા માટે નિઃશુલ્ક સારવારની સુવિધા હોવી જોઈએ ત્યાં મજબૂર બની સ્થાનિકોએ હજારો રૂપિયાના ખર્ચે પ્રાઇવેટ ડોકટરો પાસે સારવાર લેવા મજબૂર બન્યા છે. આવી જ કંઈક ઘટના જિલ્લાના પેટલાદ તાલુકાના રામોદડી ગામના નાગરિકો સાથે બનવા પામી છે.
4000 કરતા વધારે વસ્તી ધરાવતા રામોદડી ગામના નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં થતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ ગામમાં જો ગ્રામજનોનું માનીએ તો ગામ માં 200 કરતા વધારે લોકોને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર રોગોના લીધે તાવ અને બીમારી લાગેલી રહે છે. તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ગામમાં સબ સલામતની વાત કરવામાં આવી રહી છે. સ્થાનિકો દ્વારા પ્રાઈવેટ દવાખાના અને લેબોરેટરીમાં તાવના રિપોર્ટ અને સારવાર પાછળ હજારો રૂપિયાનું પાણી કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજીતરફ જિલ્લા આરોગ્ય તંત્ર ફક્ત વાઇરલ તાવ હોવાનું રટણ કરી રહ્યું છે.