- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી રાજકારણ ગરમાયુ
- ભાજપ કોંગ્રેસ સહિત AAP અને NCP પણ મેદાનમાં
- જિલ્લામાં કુલ 2.03 ટકા મતદારોનો વધારો
- 5 નગરપાલિકા, 8 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં યોજશે ચૂંટણી
આણંદઃ રાજય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું રણશિંગુ ફૂંકવામાં આવતા આણંદ જિલ્લામાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના રાજકારણમાં હલચલ વધી છે. આણંદ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો જેવા કે એનસિપિ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ આ ચૂંટણી સંગ્રામમાં ઝંપલાવીને મજબૂત ટક્કર આપવા તૈયારીઓ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વધુ રસાકસી ભરી બને તેવું ચર્ચાઈ રહ્યું છે.
નોંધનીય છે કે આણંદ જિલ્લામાં નગરપાલિકાઓમાં ભાજપનો દબદબો છે. જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો છે. આથી આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી શકે છે. તેમાંય મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત એનસીપી, આપ સહિતના પક્ષોએ પણ કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની તૈયારીઓ અગાઉથી જ જાહેર કરી દીધી હતી. આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયતની 42 બેઠકો ઉપરાંત 8 તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનાર છે. આણંદ જિલ્લામાં આણંદ, પેટલાદ, ખંભાત, ઉમરેઠ અને સોજીત્રા પાલિકાની ચૂંટણી યોજાશે.
ગત વર્ષ કરતાં 2.03 ટકા મતદારોનો વધારો
ચૂંટણી શાખા દ્વારા જાહેર કરાયેલા નવા મતદાર યાદીમાં જિલ્લામાં એક વર્ષમાં 35786 મતદારોનો વધારો નોંધાયો છે. જેમાં પુરૂષ મતદારો 18176 અને સ્ત્રી મતદાર 17601 નો વધારો થયો છે. ગત વર્ષ કરતાં 2.03 ટકા મતદારોનો વધારો થયો છે. વર્ષ 2020માં જિલ્લામાં કુલ 16,85,499 મતદારો હતા. જે 2021માં વધીને 17,21,284 મતદારો નોંધાયા છે. આમ, કુલ 35,786 મતદારોનો વધારો થયો છે. જયારે ગત વર્ષ અન્ય જાતિના મતદારો 116 હતા તે વધીને 124 થયા છે.
કરમસદની 1 બેઠકની પેટા ચૂંટણી યોજાશે
- ખાલી જગ્યાઓ માટે પેટા ચૂંટણી પણ યોજવા આયોજન હાથ ધર્યુ છે. જેમાં આણંદ જિલ્લામાં કરમસદ નગરપાલિકાના વોર્ડ નં. 1 માં એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે.
- આગામી દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ
- ઉમેદવારી પત્ર ભરવાની શરુઆત 8 ફેબ્રુ.2021
- ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુ.2021
- ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ 15 ફેબ્રુ. 2021
- ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુ.2021
- મતદાનની તારીખ 28 ફેબ્રુ.2021
- પુન: મતદાનની તારીખ (જરુર હોય તો) 1 માર્ચ,2021
- મતગણતરી 2 માર્ચ, 2021
આણંદ જિલ્લાની 5 પાલિકાઓની વોર્ડ વાઇઝ બેઠકો
પાલિકા | વોર્ડ | બેઠકો |
આણંદ | 13 | 52 |
સોજીત્રા | 6 | 24 |
ઉમરેઠ | 7 | 28 |
પેટલાદ | 9 | 36 |
ખંભાત | 9 | 36 |