- કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે આણંદ જિલ્લા પાસે એક પણ લેબોરેટરી નહિં
- આણંદ સિવિલ હોસ્પિટલમાંથી રોજ અંદાજિત 400 જેટલા સેમ્પલ મોકલાય છે
- ખાનગી લેબોરેટરીમાંથી પણ મોટી સંખ્યામાં ભેગા કરવામાં આવે છે સેમ્પલ
રિપોર્ટ માટે 48 કલાક સુધીનું વેઈટિંગ
આણંદ: જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે કોરોના સંક્રમિત દર્દીઓ માં સંક્રમણ નું પ્રમાણ માપવા માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. આણંદ જિલ્લાના શંકાસ્પદ સંક્રમિત દર્દીઓના RT-PCR ટેસ્ટ માટે સોલા સિવિલ પર નિર્ભર રહેવું પડે છે. જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, આણંદ સિવિલ હોસ્પિટલમાં આસપાસના વિસ્તારોમાંથી RT-PCRના સેમ્પલ ભેગા કરીને અમદાવાદ સોલા સિવિલ ખાતે ટેસ્ટિંગ માટે મોકલી આપતા હોવાથી રિપોર્ટ માટે સરેરાશ 24થી 48 કલાક સુધી રાહ જોવી પડતી હોય છે.
આ પણ વાંચો:રાજકોટના શ્યામે એક વર્ષમાં 1600થી વધુ મૃતદેહોની અંતિમવધિ કરાવી
રોજ અંદાજે 1200થી 1500 સેમ્પલો મોકલાય છે અમદાવાદ
આણંદ જિલ્લામાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માંથી સંભવિત કોરોના સંક્રમિત દર્દીઓના RT-PCR ટેસ્ટ માટે સ્વેબ સેમ્પલ એકત્ર કરીને આણંદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે ચાલતી સુનાવણીમાં આણંદ જિલ્લામાં થતા RT-PCR ટેસ્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં અને જિલ્લામાં 4 જેટલી ખાનગી લેબોરેટરીમાંથી કોવિડ સંક્રમિત દર્દીઓના RT-PCR ટેસ્ટ માટે સ્વેબ સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવતા હોય છે. આમ, આણંદ જિલ્લામાં રોજિંદા ખાનગી અને સરકારી હોસ્પિટલોમાંથી કુલ મળીને 1200થી 1500 લોકોના કોરોના સેમ્પલો તપાસ કરવા માટે સેમ્પલો અમદાવાદ મોકલાવવામાં આવી રહ્યા છે.
કોરોના ટેસ્ટ માટે લોકોની ભીડ આ પણ વાંચો:સુરતમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા એક અઠવાડિયાથી લાગી રહી છે લાંબી લાઈન
આગામી દિવસોમાં શરૂ કરાશે નવી લેબોરેટરી
મહત્વનું છે કે, જિલ્લામાં કોરોના સંક્રમિત વધી રહ્યું છે. ત્યારે જિલ્લામાં પણ RT-PCR ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ થઈ રહે તે માટે પેટલાદ હોસ્પિટલમાં અદ્યતન લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવશે. જે અંગે આણંદ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. અમર પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં આણંદ જિલ્લામાં RT-PCR ટેસ્ટ માટે લેબોરેટરીની શરૂઆત થયા બાદ દર્દીઓને રિપોર્ટ માટે રાહ જોવી નહીં પડે. જેથી હાલમાં રિપોર્ટ મેળવવામાં લાગતા 24થી 48 કલાક ઘટીને 24 કલાકની અંદર રિપોર્ટ મળી રહેશે.