- અમુલની 74મી સામાન્ય સભા ઓનલાઇન મળી
- કોવિડના કારણે અલગ-અલગ 12 સ્થળોથી જોડાયા સભાસદો
- દૈનિક 113 કરોડનું દૂધનું અમુલે કર્યું સંપાદન
- મહામરી વચ્ચે ઐતિહાસિક વૃદ્ધિ સાથે ટર્નઓવર 7874 કરોડને પાર
- ગત વર્ષ ની સરખામણી માં 13 ટકા વૃદ્ધિ નોંધાવી
આણંદઃ કોરોના વાઈરસના સંક્રમણના ખતરાને ધ્યાનમાં લઈ અમુલ ડેરીની 74મી વાર્ષિક સાધારણ સભા 23મી જાન્યુઆરી 2021ના રોજ અલગ-અલગ 12 સ્થળો (આણંદ, બોરસદ, નડિયાદ, બાલાસિનોર, કઠલાલ, કપડવંજ, વીરપુર, ઠાસરા, માતર, મહેમદાવાદ, રાલેજ અને રંગાઈપુરા) પર ઓનલાઈન યોજવામાં આવી. અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે અમુલ ડેરીને મળેલી મોટી સફળતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ત્રિભુવનદાસ પટેલ અને ડો. વર્ગીસ કુરિયનને યાદ કરી તેમણે અમુલ માટે આપેલ નિ:સ્વાર્થ યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણએ નિયામક મંડળના સાથી મિત્રો, દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ, સંઘના અધિકારી અને કર્મચારી ભાઈઓ અને બહેનોનું ઓનલાઈન વાર્ષિક સાધારણ સભામાં હાર્દિક સ્વાગત કર્યું હતું.
વિકટ પરિસ્થિતિમાં પણ દુધ સંપાદન યથાવત
આ પ્રસંગે રામસિંહ પરમારે જણાવ્યું કે, કોરોનાના સમયમાં જ્યારે મોટાભાગના ધંધાઓ / વ્યવસાયો અને રોજગારી બંધ હતા ત્યારે અમુલ ડેરીએ લગભગ 6 લાખ દૂધ ઉત્પાદકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધ સંપાદનનું કાર્ય જાળવી રાખી દૂધ ઉત્પાદકોને તેમણે આપેલા દૂધનું પૂરેપૂરું વળતર ચૂકવેલ છે. કોરોનાની આવી પડેલી વિકટ પરિસ્થિતિનો સામનો કરી દેશમાં જ્યારે સંપૂર્ણ લોકડાઉન હતું ત્યારે અમૂલે દૂધ સંપાદન તેમજ દૂધ પ્રોસેસિંગનું કાર્ય અવિરત જાળવી રાખેલ હતું. સાથે સાથે અમુલ ડેરીએ વિકટ પરિસ્થિતિમાં સંઘ સંકલિત દૂધ મંડળીના તમામ સભાસદોને 1 લિટર તેલ અને 2 કિલો ઘઉંના લોટની રાહત કીટનું વિતરણ કરેલ હતું. મંડળીઓ સુધી સેનિટાઈઝર અને માસ્ક પણ સંઘ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા. સોશ્યલ ડિસ્ટન્સિંગથી દૂધ ઉત્પાદન કરવાની કાર્ય પદ્ઘતિ મંડળીઓના કર્મચારીઓને સમજાવવામાં આવી હતી. દરેક સભાસદોનું, ચેરમેન તેમજ કર્મચારીઓએ સંયમપૂર્વક તેમજ ધીરજ ધરી અવિરત દૂધ મંડળીઓએ દૂધ સંપાદન ચાલુ રાખ્યુ છે જે બદલ તેઓએ બધાનો આભાર માન્યો હતો.