- 3 ટર્મથી વધુ અને 60થી વધુ ઉંમરના ઉમેદવારો ચૂંટણી નહિ લડી શકે
- નગરપાલિકાના દાવેદારોને ભાજપ મેન્ડેટ આપશે કે નહિ
- 60ની નજીકના ઉમેદવારો મુંઝવણમાં
આણંદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે ત્યારે, આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટ્રી બોર્ડના નવા નિયમો અંગે પ્રદેશ અધ્યક્ષ દ્વારા જિલ્લા-તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓમાં સતત 3 ટર્મથી વધુ વખત ચૂંટાયેલા, તથા 60 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિઓ તેમજ નેતાઓ અને હોદ્દેદારોના સગાઓને ટિકિટ નહિ આપવાનું જાહેર કરતાં આણંદ જિલ્લાની નગરપાલિકા અને પંચાયતોના રાજકારણમાં મુંઝવણ ઉભી થઇ ગઇ છે. જિલ્લા પ્રમુખ વિપુલ પટેલના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી આણંદ જિલ્લામાં 20 થી 25 ટકા બેઠકો પર અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આણંદ નગરપાલિકા :
ભાજપની ટિકિટ ઉપર સતત ત્રણ ટર્મથી પાંચ જેટલા કાઉન્સીલરો ચૂંટાઈ આવે છે જેમાં,
- વોર્ડ નંબર 10માંથી સુરેસભાઈ પટેલ, શ્વેતલભાઈ પટેલ (મેયર)
- વોર્ડ નંબર 7માંથી હિમેષભાઈ પટેલ (મુખી),
- વોર્ડ નંબર 11માંથી મધુબેન ગોહેલ
- વોર્ડ નંબર 12માંથી જનકભાઈ પુનમભાઈ પટેલનો સમાવેશ થાય છે.
- વોર્ડ નંબર 9માંથી ચૂંટાયેલા કાંતિભાઈ ચાવડાની ઉંમર 60 વર્ષની નજીક હોવાથી તેઓની ટિકિટ સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયો છે.
નેતાઓના સગાઓને પણ ટિકિટ નહિ
નેતાઓના સગાઓને પણ ટિકિટ નહિ આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાથી શહેરના મહામંત્રી રાજેશભાઈ પઢિયારના પત્નીસુમિત્રાબેન પઢિયારની પણ ટિકિટ કપાઈ જશે તેવું અનુમાન છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ પાલિકા પ્રમુખ વિજયભાઈ માસ્તરઅને પ્રજ્ઞેશભાઈ અરવિંંદભાઈ પટેલ(ભયલુ) 2005માં વિકાસ મંચમાંથી ચૂંટણી લડયા હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાઈને સને 2010 અને 2015ની પાલિકાની ચૂંટણી ભાજપના બેનર પરથી લડીને વિજેતા થયા હતા.
નવા ચહેરાઓને ટિકિટ અપાશે તેવું અનુમાન
આણંદ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે નિરીક્ષકો સમક્ષ કાઉન્સીલરોની સેન્સ લેવાની પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ જિલ્લા સંકલન સમિતિમાં પણ નામોની ચર્ચાઓ થઈને હવે પેનલો બની રહી હતી. ત્યારે અચાનક પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંગે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ઉમેદવારોની પસંદગી બાબતેના નિયમો અંગે જાહેરાત કરતાં આણંદ નગરપાલિકામાં ભાજપની ટિકિટનું આખુ સમીકરણ જ બદલાઈ જવા પામ્યું છે. જો પાર્ટી તેના નિર્ણય પર આવનાર સમયમાં જો મક્કમ રહે છે તો આ તમામ બેઠકો ઉપર પાર્ટી દ્વારા નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવશે તેમ મનાવામાં આવી રહ્યું છે.
ઉમરેઠ નગરપાલિકા :
ઉમરેઠ નગરપાલિકામાં 60 વર્ષથી મોટી ઉંમરના કારણે 5 જેટલા ઉમેદવારોની સામે સવાલ ઉભા થઇ રહ્યા છે જેમાં,
- વોર્ડ નં. 1માં શારદાબેન પટેલ,
- વોર્ડ નં. 2 ઇમ્તીયાઝ શેખ,
- વોર્ડ નં. 3માં સોમાભાઇ પટેલ,
- વોર્ડ નં. 4માં જયપ્રકાશભાઇ શાહ,
- વોર્ડ નં. 7માં અરવિંદભાઇ પટેલઉંમરના કારણે મેન્ડેટ મેળવવા માટેની લાયકાતમાં સમાવિષ્ટ બનતા નથી. જયારે વોર્ડ નં.6માં હર્ષ શહેરાવાળાભાજપ શહેર પ્રમુખ હોવાથી તેમની પણ ટિકિટ કપાવવાની શક્યતા છે.