"ભૂલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહીં" આ પંક્તિ સંતાનનો માતા-પિતા પ્રત્યેનો આદર રજૂ કરે છે, પરંતુ સાંપ્રત સમયમાં વૃદ્ધ માતા-પિતાને યોગ્ય દરકાર ન રાખનાર અને પરિવારથી દૂર વૃદ્ધાશ્રમમાં રહેવાની ફરજ પાડનાર આજના પુત્રના દાખલા પણ જોવા મળતા હોય છે. આવો જ એક કિસ્સો બોરસદના રાસ ગામના વૃદ્ધ જયાબેન પટેલ સાથે બન્યો છે. જયાબેનના પતિ વ્યવસાયે ડૉક્ટર હતા, પતિએ બીજા લગ્ન કરી લેતા બીજી પત્ની થકી સંજય પટેલનો જન્મ થયો હતો. આમ, સંજય જયાબેનનો સાવકો પુત્ર થયો. સંજયએ જયાબેનને જીવનની ઢળતી સંધ્યાએ તરછોડી દીધા. ૭૫ વર્ષીય જયાબેનને પેટલાદના લક્કડપુરા વૃદ્ધાશ્રમમાં આશ્રય મળ્યો છે.
એક પરીવારે તરછોડાયેલી માતાને "શ્રવણ" બની વ્હારે આવતા અધિકારી, જાણો શું છે ઘટના - માતા અને બાળકનો સબંધ
આણંદઃ સામાન્ય રીતે પૃથ્વી પર સૌથી પવિત્ર માનવામાં આવતો સંબંધ એટલે કે માતા અને બાળકનો સબંધ, પરંતુ પ્રેમના આ સંબંધને શરમાવે તેવો કિસ્સો આણંદના બોરસદ ખાતે બન્યો છે. જ્યાં પોતાના પુત્રએ તરછોડેલી માતાની મદદ કરવા સરકારી અધિકારી શ્રવણ બનીને આગળ આવ્યા છે.
![એક પરીવારે તરછોડાયેલી માતાને "શ્રવણ" બની વ્હારે આવતા અધિકારી, જાણો શું છે ઘટના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4536961-thumbnail-3x2-anandnn.jpg)
ડાયાબિટીસને કારણે શારીરિક રીતે અશક્ત થયેલા જયાબેને પોતાની સમગ્ર દુર્દશા વિશે એક ફરિયાદ બોરસદ પ્રાંત કચેરીમાં કરી હતી. આ અરજીના અનુસંધાને બોરસદના સબડિવિઝન મેજિસ્ટ્રેટ એમ.એસ ગઢવીએ ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં વૃદ્ધ જયાબેનને દર માસે ભરણપોષણ પેટે રૂપિયા દસ હજાર ચૂકવવા ડૉક્ટર પુત્રને આદેશ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, હાલ ચાલી રહેલા શ્રાદ્ધ પક્ષમાં અસહાય વૃદ્ધ મહિલાને મદદરૂપ ચુકાદો આપી અને માતૃશક્તિને ચરિતાર્થ કરતો હોવાનું વડીલ વર્ગમાંથી સાંભળવા મળી રહ્યું હતું. આ અંગે etv ભારતે પ્રાંત અધિકારી અને જયાબેનની મુલાકાત લીધી હતી.
આજે જયાબેનને લક્કડપુરા વૃદ્ધાશ્રમ ખાતે રહેવાની અને જીવનનિર્વાહની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આમ, જયાબેનને સરકારી અધિકારી મુસીબતના સમયે શ્રવણ બની સામે આવ્યાનો કિસ્સો આણંદ જિલ્લામાં સામે આવી છે. ચાર પુત્રોને એક છત નીચે માતા-પિતા ઉછેરી શકે છે, પરંતુ એજ ચાર દીકરા માતા-પિતા માટે રહેવાનું ઠેકાણું પણ ઉપલબ્ધ નથી રહેતું. આ વાક્યને એક સરકારી અધિકારીએ ખોટું સાબિત કરી બતાવ્યું છે.